Entertainment: સાઉથની લોકપ્રિય અભિનેત્રી કીર્તિ સુરેશે 2024માં પોતાના જીવનના બે મહત્વપૂર્ણ મોરચાઓ પર સફળતા હાંસલ કરી. આ વર્ષે તેમણે પોતાના બાળપણના મિત્ર એન્ટની થાટિલ સાથે લગ્ન કર્યા અને બોલિવૂડમાં ડેબ્યુ પણ કર્યું. તાજેતરમાં કીર્તિએ પોતાના વેડિંગ ડ્રેસ વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો.
અભિનેત્રીએ જણાવ્યું કે, “મેં મારા લગ્નના દિવસે 30 વર્ષ જૂની લાલ સાડી પહેરી હતી, જે મારી માતાની હતી. એ મારા માટે અમૂલ્ય વારસો છે.” કીર્તિએ આ સાડીને આધુનિક ટચ આપવા માટે પ્રખ્યાત ડિઝાઈનર અનિતા ડોંગરે દ્વારા રી-ડિઝાઇન કરાવી હતી, જેમાં સિલ્વર અને રેડ રંગના શણગારથી સાડીને ક્લાસિક અને આધુનિક લુક આપવામાં આવ્યો હતો.
12 ડિસેમ્બર 2024ના રોજ ગોવામાં એક ભવ્ય સમારંભમાં કીર્તિએ એન્ટની થાટિલ સાથે પરંપરાગત શૈલીમાં લગ્ન કર્યા. એન્ટની ધોતી-કુર્તામાં મોહક લાગી રહ્યા હતા, જ્યારે કીર્તિ લાલ સાડીમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
ઈન્ટરવ્યુ દરમિયાન કીર્તિએ વધુમાં ઉમેર્યું કે, “લાલ સાડી પહેરવાનો મારો નિર્ણય એકદમ અનાયાસ હતો. શરૂઆતમાં હું વરપક્ષથી મળેલી સાડી પહેરવા વિચારતી હતી, પરંતુ મારી માતાની અલમારીમાં મને આ જૂની સાડી મળી. તે સાડી મને એટલી ગમી કે તેને મારા ખાસ દિવસે પહેરવાનું નક્કી કર્યું.” આ રીતે કીર્તિ સુરેશે પોતાના જીવનની સૌથી ખાસ ક્ષણને વારસાગત અને પરંપરાગત સ્પર્શથી વધુ યાદગાર બનાવી.