Fraud: ગાંધીધામ સ્થિત મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકની શાખામાં 12 બિલ્ડરોએ 64 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપીઓએ બેંકમાંથી લીધેલી લોન બાંધકામ માટે નહીં પરંતુ અંગત હેતુઓ માટે વાપરી હતી અને પરત કરી ન હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, વાસણાના ઓમ ઈન્ફ્રાટેક અને બાગેશ્રીના માલિકો, અમન અને બીજલ મહેતા સહિત 12 આરોપીઓએ બેંકને ખોટા દસ્તાવેજો આપીને લોન મેળવી હતી. આરોપીઓએ બાંધકામના ખર્ચ માટેના ખોટા વેલ્યુએશન રિપોર્ટ અને બાંધકામના નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા.
આરોપીઓની યાદીમાં ગાંધીધામ, નવસારી, અંજાર અને કચ્છના રહેવાસીઓનો સમાવેશ થાય છે. આરોપીઓએ 2016થી 2023 દરમિયાન આ નાણાકીય છેતરપિંડી કરી હતી. બેંકના લીગલ મેનેજરની ફરિયાદના આધારે CID ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.