Banaskantha: 2025ના નવા વર્ષની શરૂઆત જ દુર્ઘટનાના સમાચાર સાથે થઈ છે. બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ નજીક ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા છે,બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ પાસે સોનેથ ગામની નજીક મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં ત્રણે લોકોને ઘટનાસ્થળે જ જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે બસમાં સવાર 15 થી 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક 108 મારફતે ભાભર અને થરાદની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.
મૃતદેહોને સૂઇગામ સરકારી આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ટેન્કર ચાલકે રોંગ સાઈડમાં આવી લક્ઝરી બસને ટક્કર મારી હતી. બસ જામનગરથી રાજસ્થાન તરફ જતી હતી અને સોનેથ ગામ નજીક આ દુર્ઘટના બની. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સૂઇગામ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. નવા વર્ષના ઉત્સવ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા માંથી આવી દર્દનાક ઘટના સામે આવતાં શોકની લાગણી વ્યાપી.