India: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે ત્રાસદાયક પરિસ્થિતિ સર્જાઈ છે. ત્રણ નેશનલ હાઇવે બરફથી ઢંકાઈ ગયા છે, 174 રસ્તાઓ બંધ છે અને 300 બસો સહિત 1000થી વધુ વાહનો ફસાઈ ગયા છે. આ સિઝનની બીજી ભયાનક હિમવર્ષાના કારણે 4000 પ્રવાસીઓ અટલ ટનલ નજીક ફસાઈ ગયા છે. હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે, ખાસ કરીને બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડીમાં ભીષણ ઠંડીની આગાહી છે.
જીવન પર અસર: રસ્તા બંધ, વીજળી ડૂલ
સોમવારે હિમાચલ પ્રદેશના 5 જિલ્લામાં સિઝનની બીજી ભારે હિમવર્ષા નોંધાઈ, જેમાં રોહતાંગમાં 30 સેમી અને મનાલી, કુફરી, કીલોંગ, ડેલહાઉસી તથા શિમલામાં 10-15 સેમી હિમવર્ષા થઈ. આ હિમવર્ષાના કારણે શિમલાના ઉપરના વિસ્તારો અને કિન્નૌર રાજધાની શિમલાથી સંપર્ક વિહોણા બન્યા છે. મનાલી-રોહતાંગ નેશનલ હાઇવે સહિત નારકંડા, થિયોગ-રોહરુ અને થિયોગ-ચૌપાલ હાઇવે પર 174થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં 300થી વધુ બસો, 1000 નાના વાહનો તેમજ અન્ય વિસ્તારોમાં 1000થી વધુ વાહનો ફસાઈ ગયા છે. હિમવર્ષાને કારણે 680 વીજળી ટ્રાન્સફર બંધ થઈ જતાં હજારો ઘરો વીજ વિહોણા થઈ ગયા છે.
હિમાચલમાં હિમવર્ષાથી 3 નેશનલ હાઇવે બંધ
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષાના કારણે 174 સ્ટેટ હાઇવે અને 3 નેશનલ હાઇવે (NH 03, NH 305, NH 505) બંધ થઈ ગયા છે. હવામાનની અસરથી અમુક જિલ્લાના ડિવિઝનલ વિસ્તારોમાં વીજળી અને પાણીની સપ્લાઈ પર અસર પડી છે. 6 જિલ્લાઓમાં 683 સ્થળોએ વીજ પુરવઠો અવરોધિત થયો છે. બદલાયેલા હવામાન અને સતત હિમવર્ષાના કારણે જનસેવા સેવાઓ ઠપ થઈ ગઈ છે. આપત્તિ નિયંત્રણ વિભાગે પરિસ્થિતિનો રિપોર્ટ બહાર પાડ્યો છે અને સહેલાણીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે.
ઉત્તરાખંડમાં હિમવર્ષાથી પરિસ્થિતિ કઠિન
હિમાચલની જેમ ઉત્તરાખંડમાં પણ હિમવર્ષાના કારણે પરિસ્થિતિ તંગ બની છે. રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ છે, જો કે હિમાચલની તુલનામાં અહીં હિમવર્ષાનું પ્રમાણ ઓછી છે. ઔલી, ઉત્તરકાશી, ચકરાતા, બદ્રીનાથ અને કેદારનાથ સહિતના વિસ્તારો સફેદ બરફથી ઢંકાઈ ગયા છે. કેદારનાથ ધામમાં આ સિઝનની બીજી હિમવર્ષા થઈ છે, જેના કારણે પુનઃનિર્માણ કાર્ય પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ક્રિસમસ અને ન્યૂ યર પર વધુ ઠંડી રહી શકે છે.