Business: જીવન વીમા અને આરોગ્ય વીમા પર GSTમાં ઘટાડા અંગે વિચારણા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. મોંઘી ઘડિયાળો, પગરખાં અને કપડાં પર GST વધારવાની સાથે સિગારેટ અને તમાકુ પર 35 ટકા GST લાદવાનું વિચારી શકાય છે.
148 વસ્તુઓ પર GST દરમાં ફેરફારની શક્યતા
રાજસ્થાનના જેસલમેરમાં યોજાનારી આ બેઠકમાં 148 જેટલી વસ્તુઓ પર GST દરમાં ફેરફાર પર ચર્ચા થવાની સંભાવના છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ને GST હેઠળ લાવવાનો પ્રસ્તાવ પણ ચર્ચાસપદ છે. ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન પર 18 ટકા GST નાબૂદ કરવા અને વરિષ્ઠ નાગરિકો તથા 5 લાખ રૂપિયા સુધીના આરોગ્ય વીમા ખરીદનારા લોકો માટે GSTથી મુક્તિ આપવા પર વિચારણા થઈ શકે છે. કાઉન્સિલ કેટલાક પ્રોડક્ટ્સ પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી શકે છે.
ફૂડ ડિલિવરી કંપનીઓને રાહત: સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી કંપનીઓ પર GST 18%થી ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ છે, પરંતુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નાબૂદ થવાની શક્યતા છે.
વાહનો પર GST ફેરફાર: વપરાયેલા ઇલેક્ટ્રિક અને નાના પેટ્રોલ-ડીઝલ વાહનો પર GST 12%થી વધારીને 18% કરવાનો પ્રસ્તાવ છે, જે જૂની નાની કાર અને ઇલેક્ટ્રિક વાહનો માટે મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે.
આ ચીજો પર GST બદલાશે: મંત્રીઓના જીઓએમએ 20 લીટરના પેકેજ્ડ પીવાના પાણી પર GST દર 18%થી ઘટાડી 5% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાયકલ, કસરત નોટબુક, લક્ઝરી સામાન માટે GST વધારવાનો પ્રસ્તાવ મૂકાયો છે. રૂ. 15,000થી વધુ કિંમતના જૂતા પર GST દર 18%થી વધારીને 28% અને રૂ. 25,000થી વધુ કિંમતની ઘડિયાળ પર પણ દર 18%થી વધારીને 28% કરવાનો પ્રસ્તાવ છે.