India: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય રાષ્ટ્રીય લોક દળ (ઇનેલો)ના અધ્યક્ષ, ઓમ પ્રકાશ ચૌટાલાનું આજે સવારે નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા. લાંબી બીમારી બાદ તેમણે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.
Thank you for reading this post, don't forget to subscribe!ઓમ પ્રકાશ ચૌટાલા હરિયાણાની રાજનીતિમાં એક દિગ્ગજ નેતા હતા. તેઓ ભારતના છઠ્ઠા નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર હતા અને હરિયાણામાં ઘણી વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. તેમના નિધનથી હરિયાણાની રાજનીતિમાં એક યુગનો અંત આવ્યો છે.
27 મે 2022ના રોજ, 16 વર્ષ જૂના અપ્રમાણસર સંપત્તિના કેસમાં સીબીઆઈ કોર્ટે ચૌટાલાને ચાર વર્ષની જેલ અને ₹50 લાખના દંડની સજા ફટકારી હતી. આ સજા બાદ, તેઓ 87 વર્ષની વયે દિલ્હીની તિહાર જેલના સૌથી વૃદ્ધ કેદી બન્યા હતા.
1999-2000 દરમિયાન હરિયાણામાં 3,206 જુનિયર બેઝિક શિક્ષકોની ગેરકાયદેસર ભરતીના કેસમાં, ઓમપ્રકાશ ચૌટાલા અને 53 અન્ય લોકો સામે આરોપ મૂકવામાં આવ્યા હતા. 2013માં નવી દિલ્હીની કોર્ટે ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલાને દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસમાં, ચૌટાલા પર 3,000થી વધુ અયોગ્ય ઉમેદવારોની ગેરકાયદેસર ભરતી માટે દોષારોપણ થયું હતું, અને દિલ્હી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે આ સજાને યથાવત રાખી હતી.