Gujarat: ગુજરાતમાં સવારે અને રાત્રીના ઠંડીનો અનુભવ થાય છે, અને હવે બપોરમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ, દેશભરના વાતાવરણની વાત કરીએ તો, ચોમાસા બાદ ફરી વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બને છે, જેને ‘ફેંગલ’ નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડાનો સૌથી વધુ પ્રભાવ દક્ષિણ ભારતના રાજ્યો પર થવાની શક્યતા છે.
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી બે-ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે, પરંતુ કેટલીક જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધવું કે ઘટવું શક્ય છે. બે દિવસ બાદ ઉત્તરના પવનોની અસર જોવા મળી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
હાલ ગુજરાતમાં પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ હવામાન વિભાગના અનુસંધાન મુજબ, બે-ત્રણ દિવસમાં ઉત્તરથી પવનો ફૂંકાશે. આ કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીમાં વધારો થશે અને તાપમાનમાં ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. બુધવારે રાજ્યમાં વડોદરા સૌથી ઠંડુ શહેર હતું, જ્યાં લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહ્યું, જ્યારે અમદાવાદમાં 16.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું.