Bhakti sandesh: ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. સિદ્ધપુરની વહોરવાડમાં બેનમૂન સ્થાપત્ય ધરાવતાં પૌરાણિક મકાનો આવેલા છે. ભારતનાં આવેલા પવિત્ર સરોવરો પૈકીનું એક “બિંદુ સરોવર” સિદ્ધપુર ખાતે આવેલું છે. બિંદુ સરોવર માતૃશ્રાદ્ધની વિધિ કરવા માટેનું પવિત્ર સ્થળ છે અને દેશના ખૂણે-ખૂણેથી હજારો પરિવારો દર વર્ષે તેમની સ્વર્ગવાસ માતાની ધાર્મિક વિધિ કરવા માટે અહીં મુલાકાતે આવે છે.
Thank you for reading this post, don't forget to subscribe!દેશના કોઈપણ ખૂણામાં વસતી માતાની અંતિમ ઈચ્છા સ્વર્ગવાસ પછી સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે. કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીના ભીષ્મ પંચક પર્વ દરમિયાન, લાખો યાત્રાળુઓ મેળામાં એકત્ર થઈને સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને સંતોષવાનો પ્રયાસ કરે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના જણાવ્યા અનુસાર, ગત વર્ષમાં સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે કારતક, ભાદરવો અને ચૈત્ર તેમજ સમગ્ર વર્ષ દરમિયાન અંદાજિત 47,100 પરિવારોના સભ્યો દ્વારા માતૃશ્રાદ્ધની વિધિવત પૂજા કરવામાં આવી હતી.
ઐતિહાસિક નગર સિદ્ધપુરમાં આવેલી બિંદુ સરોવર ખાતે 2012માં નવા કુંડનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવતા પ્રદર્શન, મ્યુઝિયમ, પાર્કિંગ, કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે વિવિધ છત્રીઓ હેઠળ બેઠકો, રુદ્રમહાલયની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગાર, એમિનિટી સેન્ટર, વી.આઈ.પી. રૂમ, ઓફિસ બિલ્ડીંગ, પ્રવેશદ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, અને સોલાર સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે આવતાં યાત્રાળુઓ માટે પૂરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પૂજા-વિધિ હોલ, ચેન્જિંગ રૂમ, ગાર્ડન, અને ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ કરવામાં આવી છે. અહીં પિંડદાનની વિધિવત પૂજા-અર્ચના હેતુથી “Online Queue Management System” પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન, ઓનલાઈન સ્લોટ/સ્પોટ બુકિંગ, ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી આપવામાં આવી રહી છે.