Education: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા શેઠ એમ.એન. સાયન્સ કોલેજના યજમાન પદે 34મો રાજમાતા નાયિકાદેવી ખેલકૂદ મહોત્સવ 2025નો પ્રારંભ થયો છે. ત્રિદિવસીય મહોત્સવમાં ખેલકૂદ અને ફેંકની 22 ઇવેન્ટ્સ યોજાઈ રહી છે, જેમાં યુનિવર્સિટી સંલગ્ન 76 કોલેજોના 702 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

પ્રારંભ સમારોહમાં પેરા ઓલમ્પિક આંતરરાષ્ટ્રીય ખેલાડી ભાવના ચૌધરીએ મહિલા ખેલાડીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે મહિલાઓએ સફળતા મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે, પરંતુ જો તેઓ લક્ષ્ય નક્કી કરી સખત મહેનત કરે, તો સફળતા જરૂર મળે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. K.C. પોરીયાએ ખેલાડીઓને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડવાની ખાતરી આપી હતી, જ્યારે શારીરિક નિયામક ડૉ. ચિરાગ પટેલે સ્પર્ધાઓની વિગતો આપી હતી. વિશેષરૂપે, ડીસા કાંડ કોલેજના વિદ્યાર્થી ભાવિક ભરવાડે, શૉર્ટ સર્કિટમાં હાથ કપાઈ ગયો હોવા છતાં, 100 અને 200 મીટર દોડમાં ભાગ લઈ યુવાનોને મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં સંલગ્ન કોલેજોના કોચ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.