કડી પોલીસને મોટી સફળતા મળી છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં થયેલી મોટરસાયકલ ચોરીના 13 વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન પ્રજ્ઞેશ ઉર્ફે સચિન રમેશજી ઠાકોર નામના શખ્સની સંડોવણી સામે આવી હતી. આરોપી ઓનલાઈન ગેમ રમવાનો શોખીન હતો અને ગેમમાં પૈસા હારી જતાં વધુ નાણાંની જરૂરિયાત ઉભી થતા માસ્ટર કી વડે અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇકોની ચોરી કરતો હોવાનું બહાર આવ્યું છે.
તપાસમાં ખુલ્યું કે ચોરી કરાયેલી બાઇકો કડીના કરણનગર વિસ્તારમાં ગેરેજ ચલાવતા તેના સાગરિતોને વેચાણ માટે આપવામાં આવતી હતી. આરોપીઓ બાઇકના સ્પેરપાર્ટ્સ અલગ કરીને અને અલગ-અલગ વાહનોમાં ફિટ કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરતા હતા.
કડી પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કુલ 15 ચોરાયેલા વાહનો રિકવર કરવામાં આવ્યા છે, જેમાંથી 13 વાહનો વિવિધ ચોરીના ગુનાઓ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા વાહનોની કુલ કિંમત અંદાજે રૂ. 4 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પકડાયેલા આરોપીઓમાં:
- પ્રજ્ઞેશ ઉર્ફે સચિન રમેશજી ઠાકોર
- સુરજસિંહ જોરુભા ચંદુભા સોલંકી
- વજેસિંહ વિક્રમસિંહ વાઘેલા
- યોગેશભાઈ વિક્રમભાઈ વણઝારા
નો સમાવેશ થાય છે.
પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી કડી પોલીસ સ્ટેશનના PI એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.