કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે તેજસ્વી તારલાઓને મોમેન્ટો, સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
Mehsana: વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વિસનગર તાલુકાના કમાણા ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે તેજસ્વી તારલાઓને મોમેન્ટો, સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતા કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ એ આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે. શિક્ષણ વિના કોઈ સમાજની પ્રગતિ થઈ શકતી નથી માટે શિક્ષણનું મહત્વ સમજી રાવળ યોગી સમાજ દ્વારા જે તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, તે ખરેખર ગૌરવનો વિષય છે. રાવળ યોગી સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત બની સમાજની સાથે રાજ્યનું નામ રોશન કરે તે માટે આવા સન્માન સમારોહ કાર્યક્રમ ખૂબ મહત્વના સાબિત થતા હોય છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જો સમાજના વડીલો દ્વારા અભ્યાસ કરતા બાળકોનું સતત મોનિટરિંગ કરવામાં આવે તો સમાજમાં આપોઆપ શિક્ષણનું પ્રમાણ વધશે. આવા કાર્યોમાં શિક્ષિત યુવાઓએ આગળ આવવું પડશે જ્યારે આ શિક્ષિત યુવાનો સમાજના શિક્ષણની ચિંતા કરશે ત્યારે સમાજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધશે. આ તકે મંત્રીશ્રીએ સન્માનિત વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકીતભાઈ જોશી,વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ રાવળ, મહામંત્રી શ્રી વિજયકુમાર રાવળ સહિત રાવળ સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.