Crime news: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની સગીરાને એક યુવકે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેના અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી યુવકે નાણાંની માંગણી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ગભરાઈ ગયેલી સગીરાએ ડરીને તેના દાદાના બેન્ક એકાઉન્ટમાંથી યુવકના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ઘટનાની જાણ થતા શાહીબાગ પોલીસે યુવક સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલની ધમકી આપવાના ગુનામાં ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ, શાહીબાગની એક સોસાયટીમાં રહેતી સગીરા તેના દાદાના ઘરે રહે છે. બે વર્ષ પહેલા તેની સોશિયલ મીડિયા પર સાહિલ સથવારા નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી. સાહિલે તેને પ્રેમમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં કોઈ કારણસર સગીરાએ સંબંધ તોડી નાંખ્યા હતા. જોકે, સાહિલે લગ્નની ખાતરી આપી ફરીથી વિશ્વાસ કેળવી તેના અંગત ફોટા લીધા હતા.
આ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી સાહિલે સગીરાથી નાણાંની માંગણી કરી હતી. ડર અને ગભરાહટના કારણે સગીરાએ તેના દાદાના બેન્ક એકાઉન્ટમાંથી યુવકના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાન સગીરાના પિતાને ફ્રોડની શંકા જતા તેમણે 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો, જેના પગલે સાહિલનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન સાહિલનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે નાણાં સગીરાએ જ ટ્રાન્સફર કર્યા હતા. સમગ્ર ભાંડો ફૂટતા સગીરાના પિતાએ શાહીબાગ પોલીસ મથકે સાહિલ સથવારા સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.