Gujarat Police: અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે એક 19 વર્ષીય યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે વિશાલા વિસ્તારમાં આવેલા તેમના એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચાવડાએ તેના ખભા પર હાથ મૂકીને શારીરિક અડપલાં કર્યા હતા.
લિફ્ટમાં અડપલાં કર્યાનો આક્ષેપ:
યુવતીએ પોલીસને જાણ કરી કે ઘટના ત્યારે બની જ્યારે તે પોતાના એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચાવડા સાથે હતી. લિફ્ટ બંધ થતા જ PI ચાવડાએ અચાનક તેના ખભા પર હાથ મૂક્યો અને શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો. યુવતીને અચાનક આ કૃત્યથી ભારે ગભરાટ અનુભવાયો.
છઠ્ઠા માળે લિફ્ટ પહોંચતા અન્ય લોકો લિફ્ટમાં દાખલ થયા, જે જોતા જ બરકત ચાવડા તરત જ લિફ્ટમાંથી નીચે ઉતરી ગયા અને સ્થળ પરથી દૂર થઈ ગયા.
યુવતીએ તરત જ અભયમ 181 હેલ્પલાઇનનો સંપર્ક કર્યો :
ઘટનાથી ડરી ગયેલી યુવતીએ તરત જ 181 અભયમ હેલ્પલાઇનને ફોન કરીને મદદ માંગી. અભયમ ટીમે યુવતીની સાથે વાતચીત કરી, તેને કાયદાકીય માહિતી આપી અને જરૂરી સહાયતા પૂરી પાડી. ત્યારબાદ યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી.
પોલીસે યુવતીના નિવેદન અને પ્રારંભિક તપાસના આધારે PI બરકતઅલી ચાવડા સામે છેડતીનો ગુનો દાખલ કર્યો છે અને હવે આગળની તપાસ ચાલી રહી છે.
આગળ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે ચાવડા :
મળતી માહિતી અનુસાર, બરકતઅલી ચાવડા હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. આ પહેલા તેઓ અમદાવાદ એસીબી, રખિયાલ પોલીસ સ્ટેશન સહિત અનેક વિભાગોમાં સેવા આપી ચૂક્યા છે.ચાવડા અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે. PSI તરીકે ફરજ બજાવતા સમયે કચ્છ જિલ્લામાં તેમના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જોકે બાદમાં તે મામલો સમાધાનથી પૂર્ણ થયો હતો.
પોલીસનું નિવેદન:
વેજલપુર પોલીસ સ્ટેશનના PI રણજિતસિંહ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે,“યુવતીની ફરિયાદના આધારે PI બરકતઅલી ચાવડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સ્વતંત્ર રીતે તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.”