વિસનગર તાલુકાના રાવળાપુરા ગામમાં સંડાસ-બાથરૂમની જગ્યા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક જેઠે પોતાની ભાભીને ઈંટ વડે ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
માહિતી મુજબ, રાવળાપુરા ગામના ઠાકોરવાસ વિસ્તારમાં રહેનારી આશાબેન રાજેશજી ઠાકોર પોતાના પતિ સાથે ઘરે હાજર હતા. તેમના જેઠ શંકરજી બળદેવજી ઠાકોર તેમના ઘર સામેની જગ્યામાં નવું સંડાસ-બાથરૂમ બનાવી રહ્યા હતા. આશાબેને તેમની જગ્યામાં બાંધકામ કરવા સામે વાંધો ઉઠાવતા શંકરજી ઉશ્કેરાઈ ગયા હતા.
ગુસ્સે ભરાયેલા શંકરજીએ આશાબેનને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. આશાબેને તેનો વિરોધ કરતાં જેઠ શંકરજીએ હાથમાં ઈંટ લઈને તેમના કપાળ અને માથાના પાછળના ભાગે માર્યો હતો. ત્યારબાદ તેમણે આશાબેનને નીચે પટકીને ગડદાપાટુનો પણ માર માર્યો હતો.
હુમલા બાદ આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન આશાબેનના પતિ રાજેશજી ત્યાં આવી જતા વધુ મારથી બચાવ થયો હતો.
આ બનાવ અંગે આશાબેને વિસનગર તાલુકા પોલીસ મથકમાં પોતાના જેઠ શંકરજી બળદેવજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 
 



 
 