મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો અને વાંકાનેરનો રહેવાસી 13 વર્ષીય વિદ્યાર્થી ફૂટબોલ રમતી વખતે અચાનક ધરાશાયી થઈ પડ્યો હતો. હૃદય બંધ થઈ જતાં તેનું દુઃખદ અવસાન થયું. ઘટનાએ શાળા અને વાંકાનેર સ્થિત પરિવારને આઘાતમાં મૂકી દીધા છે.
ધરમ નગર સોસાયટી, વાંકાનેરમાં રહેતો જૈમીલ ગૌતમભાઈ કંસાગરા છેલ્લા ત્રણ વર્ષથી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતો હતો. 24 નવેમ્બરની સાંજે લગભગ 5 વાગ્યે તે શાળાના ગ્રાઉન્ડમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. રમત દરમિયાન અચાનક જૈમીલ નીચે પડી ગયો અને બેભાન થઈ ગયો.

તાત્કાલિક શાળાના આચાર્ય અને સ્ટાફે તેને શંકુઝ હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ જૈમીલને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં જણાયું કે તેનું હૃદય બંધ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં લાંઘણજ પોલીસ મથકના ASI કિરીટ ચૌધરી દોડી આવ્યા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે