Gujarat Police: મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ દસ દિવસ અગાઉ બદલીનો ગંજીપો ચાંપ્યો હતો ત્યારે આજે ફરી વાર વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 45 પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરી છે. મહેસાણા જિલ્લાની મહત્વની ગણાતી બ્રાન્ચો જેમ કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પેરોલ ફર્લોમાં ફરજ બજાવતા મોટાભાગના પોલીસ કોન્સ્ટેબલની જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં બદલી કરવામાં આવી છે.
જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં દસ દિવસ અગાઉ થયેલી બદલીઓમાં ઘણા વહીવટદારોની બદલીઓ થતા આંતરિક વિવાદો પણ જોવા મળી રહ્યા હતા. આજે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ શાખાઓ માં પોલીસકર્મીઓની બદલી કરી નાખતા હવે વહીવટદાર બનવાના કેટલાય ના સપના રોળાઈ જશે. કારણ કે શાખા ઓમાંથી બદલી થઈને આવતા અનુભવી પોલીસકર્મીઓ જે તે પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ જગ્યાએ જ રહેવાના. પોલીસ સ્ટેશનમાં પી.આઈ. ના માનીતા બનવા માટે ઘણા કર્મીઓ મહેનત કરી રહ્યા હતા તેમને હવે કેવું ફળ મળશે ?

ઘણા લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશન કે એજન્સીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની એક પછી એક બદલી થઇ રહી હોવાથી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા અને વહીવટી સરળતા માટે આ બદલીઓ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.