World: ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની હઠ પર અડગ રહ્યા છે. ડેનમાર્કના અર્ધ-સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડને કોઈપણ કિંમતે પોતાના કબજામાં લેવા માટે ટ્રમ્પ પ્રશાસન પૂરજોશમાં પ્રયત્નો કરી રહ્યું છે. ટ્રમ્પની આ વિસ્તારવાદી નીતિના પગલે યુરોપિયન દેશોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવું અત્યંત આવશ્યક બની ગયું છે.
ખાસ દૂતની નિમણૂક સાથે મિશનની શરૂઆત
આ અભિયાનને ગંભીરતાથી આગળ ધપાવવા માટે ટ્રમ્પે લુઇસિયાના રાજ્યના ગવર્નર જેફ લેન્ડ્રીને ગ્રીનલેન્ડ માટે ‘વિશેષ દૂત’ તરીકે નિયુક્ત કર્યા છે. લેન્ડ્રીને સમગ્ર આઇલેન્ડને અમેરિકન વહીવટ હેઠળ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રમ્પના આ નિર્ણયને લઈને ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ બંને તરફથી કડક વિરોધ અને ટીકા થઈ રહી છે.
ટ્રમ્પના દાવાઓ સામે કડક પ્રતિક્રિયા આપતાં ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ ફ્રેડરિક નીલસને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “ગ્રીનલેન્ડ અહીંના લોકોનું છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું બનાવી કોઈ પણ દેશ તેનો કબજો લઈ શકે નહીં.” તેમણે ગ્રીનલેન્ડને ખરીદવાની કે હડપવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
ગ્રીનલેન્ડ પર જ કેમ ટ્રમ્પની નજર?
ગ્રીનલેન્ડ પર કબજો મેળવવાની પાછળ ટ્રમ્પે તેના વ્યૂહાત્મક સ્થાન અને વિશાળ કુદરતી સંસાધનોને મુખ્ય કારણ ગણાવ્યા છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડની આસપાસ ચીન અને રશિયાની વધતી નૌકાદળ પ્રવૃત્તિ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. આ ખતરાને અટકાવવા માટે અમેરિકા ત્યાં પોતાની અદ્યતન ‘બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ’ સ્થાપિત કરીને આ બંને વૈશ્વિક શક્તિઓને સીધો પડકાર આપવા માંગે છે.