નવી દિલ્હી: ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘણાં મુસાફરો ઘરેથી બનાવેલું ભોજન લઈને જવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ આઈઆરસીટીસી અથવા સ્ટેશન વેન્ડર પાસેથી ખાવાનું લેતા નથી. પરંતુ હવે આવા મુસાફરોને સાવધાન રહેવું પડશે, કારણ કે જો ભોજન કર્યા બાદ બચેલું ખાવાનું ટ્રેનમાં કે સ્ટેશન પર ફેંકવામાં આવશે, તો ભારે દંડ ભરવો પડી શકે છે.
ભારતીય રેલવે છેલ્લા કેટલાક સમયથી ટ્રેનો અને સ્ટેશનોમાં સ્વચ્છતા જાળવવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝનમાં સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધી 5113 મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમણે ગંદકી ફેલાવી હતી અથવા ધૂમ્રપાન કર્યું હતું. આ મુસાફરો પાસેથી કુલ ₹10,26,670નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે .જે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાય છે.

અભિયાન દરમિયાન રેલવેને ઘણાં એવા મુસાફરો પણ મળ્યા, જેઓ ઘરેલું ખાવાનું લઈને આવ્યા હતા અને ખાવા પછી બચેલું ખોરાક અથવા પેકિંગ સામગ્રી ટ્રેન કે પ્લેટફોર્મ પર ફેંકી દેતા હતા. આવી હરકતને કારણે ગંદકી ફેલાતી હતી, જેના પર રેલવે સ્ટાફે કડક પગલાં લીધા. કેટલાક મુસાફરો બહાના આપતાં કે દલીલો કરતાં જોવા મળ્યા, છતાં રેલવે દ્વારા સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે દંડની કાર્યવાહી ચાલુ છે.
રેલવેના જણાવ્યા મુજબ, ગંદકીના કારણે સ્ટેશનોની સુંદરતા અને મુસાફરોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. ખુલ્લામાં થૂંકવું, ગંદા શૌચાલય, ખોરાકના અવશેષો અને કચરો ફેંકવાથી દુર્ગંધ ફેલાય છે અને સંક્રમણનો ભય પણ રહે છે. આવી હરકતથી રેલવેની છબી ખરાબ થતી હોવાથી રેલવે આ અભિયાનને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
ભારતીય રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ સ્ટેશન અને ટ્રેનની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે, ખુલ્લામાં થૂંકવું કે ધૂમ્રપાન જેવી આદતો ટાળે. રેલવેના જણાવ્યા મુજબ, આ પ્રકારના સ્વચ્છતા અભિયાનો આગળ પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા પર કડક પગલાં લેવામાં આવશે.

 
 



