Entertainment: રણવીર સિંહ અભિનીત સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આદિત્ય ધારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે માત્ર 22 દિવસમાં વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર તરીકે ઉભરેલી આ ફિલ્મે કમાણીના મામલે શાહરૂખ ખાનની ‘જવાન’ જેવી દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.
ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મની પકડ અત્યંત મજબૂત જોવા મળી રહી છે. ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં 207.25 કરોડ અને બીજા સપ્તાહમાં 253.25 કરોડનો શાનદાર બિઝનેસ કર્યો હતો, જ્યારે ત્રીજા અઠવાડિયે પણ 173 કરોડની કમાણી સાથે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. હાલમાં આ ફિલ્મનું કુલ સ્થાનિક કલેક્શન 648.50 કરોડને પાર કરી ગયું છે અને તે ઝડપથી 700 કરોડની ક્લબ તરફ આગળ વધી રહી છે. વૈશ્વિક સ્તરે 1000 કરોડનો આંકડો વટાવીને ‘ધુરંધર’ હવે ‘બાહુબલી 2’ અને ‘દંગલ’ જેવી ચુનંદા ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.