Gujarat: રાજકોટમાં નવા બની રહેલા 150 ફૂટ રિંગ રોડ પર કોરાટ ચોક નજીક નિર્માણાધીન બ્રિજનો એક ભાગ ગત રાત્રે અચાનક બેસી જતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના મોડી રાત્રે બની હોવાથી તે સમયે સાઈટ પર કોઈ શ્રમિકો કે ઇજનેરો હાજર નહોતા, જેના કારણે એક મોટી જાનહાની અને મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર અને કોન્ટ્રાક્ટર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી અને બ્રિજના અસરગ્રસ્ત ભાગનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા તરત જ સમારકામની કામગીરી શરૂ કરાઈ છે.
આ ઘટનાને પગલે બ્રિજની ગુણવત્તા અને નિર્માણ પ્રક્રિયા અંગે તપાસ હાથ ધરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે અને જવાબદાર એજન્સી દ્વારા યોગ્ય તપાસ તથા સુરક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.