India: મધ્ય પ્રદેશના મુરૈનામાં બનેલી એક હચમચાવનારી ઘટનામાં, નશામાં ધૂત એક રાજકીય અગ્રણીએ પોતાની બેફામ ગતિએ આવતી કાર રસ્તાની બાજુમાં તાપણી કરી રહેલા નિર્દોષ લોકો પર ચડાવી દીધી હતી. કાર નંબર: MP 06 CA 5172 ચલાવી રહ્યા હતા. પૌરસા વિસ્તારના જોટઈ રોડ પર બનેલી આ દુર્ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે ગ્વાલિયર ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ પણ કાર ન રોકી અન્ય વાહનને ટક્કર મારતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને ભાગી રહેલા દીપેન્દ્ર ભદૌરિયાને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.
જોકે, આ મામલે ખળભળાટ ત્યારે મચ્યો જ્યારે અકસ્માત સર્જનાર આરોપી પોલીસની કસ્ટડીમાંથી રહસ્યમય રીતે ફરાર થઈ ગયો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલ હોવાથી પોલીસે જ તેને ભગાવવામાં મદદ કરી છે. હાલ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે અને પરિસ્થિતિને થાળે પાડવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મામલાની ગંભીરતા જોઈને આરોપીની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે.