World: મેક્સિકોમાં મેડિકલ ઈમરજન્સી માટે જઈ રહેલું નેવીનું વિમાન ક્રેશ થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રિપોર્ટ મુજબ નેવીનું મેડિકલ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું, જેમાં દર્દી સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. આ વિમાન મેડિકલ મિશન પર હતું, ત્યારે અચાનક આ અકસ્માત થયો.
પાંચ લોકોનાં મોત
માહિતી મુજબ, એરક્રાફ્ટ અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગેલ્વેસ્ટન વિસ્તારમાં આવેલા કૉજવે બેઝ નજીક ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ નેવીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યૂ ઓપરેશન બાદ પાંચ લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એરક્રાફ્ટના એન્જિનમાં ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હ્યૂસ્ટનથી આશરે 80 કિલોમીટર દૂર બની ઘટના
નેવીના અધિકારીએ જણાવ્યું કે ગેલ્વેસ્ટન હ્યૂસ્ટનથી લગભગ 80 કિલોમીટર દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલું છે. આ વિસ્તારમાં અગાઉ પણ આવા અકસ્માતો નોંધાયા છે. ઘટનાની જાણ મળતાની સાથે જ ઇમરજન્સી ટીમો, ક્રાઇમ સીન યુનિટ, ડ્રોન યુનિટ અને પેટ્રોલિંગ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળને સીલ કરીને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.