મહેસાણા: ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે લોહીલુહાણ ઘટનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મહેસાણા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ એક નિર્દોષ નાગરિકનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હોય તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર ચાઈનીઝ દોરીથી એક યુવકનું ગળું ચીરાતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બાઈક પર જઈ રહ્યા હતા ને અચાનક કાળ બનીને દોરી આવી :
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણામાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવક પોતાના અંગત કામે બાઈક લઈને રાધનપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આકાશમાંથી લટકતી ચાઈનીઝ દોરી અચાનક તેમના ગળાના ભાગે આવી ગઈ હતી. યુવક કંઈ સમજે તે પહેલા જ ધારદાર દોરીએ ગળાના ભાગે ઊંડો ઘા કરી દીધો હતો. યુવક રસ્તા પર જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.
ઈજા એટલી ગંભીર કે 40 ટાંકા લેવા પડ્યા :
ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘાયલ યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગળાના ભાગે ઘા ઘણો ઊંડો હતો. તબીબોએ ભારે જહેમત બાદ યુવકની સ્થિતિ સુધારી હતી, પરંતુ ઈજાની ગંભીરતા એટલી હતી કે તેના ગળાના ભાગે 35 થી 40 જેટલા ટાંકા લેવા પડ્યા છે.
તંત્રના પ્રતિબંધ છતાં ચાઈનીઝ દોરીનું વેચાણ યથાવત :
આ ઘટનાને પગલે મહેસાણાના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ લાદવામાં આવે છે. પોલીસ દ્વારા પણ સતત દરોડા પાડીને ચાઈનીઝ દોરીનો જથ્થો પકડવામાં આવે છે, તેમ છતાં કેટલાક લાલચુ વેપારીઓ છૂપી રીતે આ જીવલેણ દોરી વેચી રહ્યા છે. આ કાતિલ દોરી માત્ર પક્ષીઓ જ નહીં, પણ હવે નિર્દોષ માનવીઓ માટે પણ કાળ સાબિત થઈ રહી છે.
ભોગ બનનાર યુવકની આક્રમક માંગ :
હોસ્પિટલના બિછાનેથી ભોગ બનનાર યુવકે તંત્રને અપીલ કરી છે કે, “ચાઈનીઝ દોરી વેચનારાઓ સામે તો કાર્યવાહી થવી જ જોઈએ, પણ જે લોકો તેનો ઉપયોગ કરે છે તેમને પણ પકડવા જોઈએ. અત્યારે અનેક ફ્લેટોની અગાસી પર લોકો બેધડક ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાવી રહ્યા છે. પોલીસે સિવિલ ડ્રેસમાં જઈને આવા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી કોઈ બીજો નિર્દોષ વ્યક્તિ મારો જેવો ભોગ ન બને.”