Gujarat: રાજ્યના પાટનગર ગાંધીનગરના વાવોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક પ્રાથમિક શાળાના આચાર્યે શિસ્તના નામે માનવતા નેવે મૂકી હોય તેમ વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. માત્ર એક સામાન્ય અકસ્માત (ગાડીનો કાચ તૂટવો) જેવી બાબતમાં આચાર્ય દ્વારા લેવાયેલા આક્રમક પગલાંને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રિસેસના સમયે શાળાના કેમ્પસમાં આવેલા એક ઝાડ પર પતંગ ફસાઈ ગયો હતો. ધોરણ 6 થી 8 ના કેટલાક વિદ્યાર્થીઓ આ પતંગ કાઢવા માટે ઝાડ પર પથ્થર મારી રહ્યા હતા. આ દરમિયાન એક પથ્થર અજાણતા શાળાના પ્રિન્સિપાલની ગાડી પર જઈ પડ્યો હતો, જેના કારણે ગાડીનો કાચ ફૂટી ગયો હતો.
પોતાની ખાનગી મિલકતને નુકસાન થતા જ પ્રિન્સિપાલ પિત્તો ગુમાવી બેઠા હતા. ગુસ્સામાં લાલચોળ થયેલા પ્રિન્સિપાલે કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર કે બાળકોને સમજાવ્યા વગર, ધોરણ 6 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રાખી બેરહેમીથી માર માર્યો હતો.
હાલમાં વાલીઓએ શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર પાસે માંગ કરી છે કે આ પ્રકારની હિંસક માનસિકતા ધરાવતા પ્રિન્સિપાલ સામે તાત્કાલિક અસરથી કડક તપાસ કરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે. આ મામલે શિક્ષણ જગતમાં પણ ચર્ચાઓ જાગી છે કે શું ભૌતિક નુકસાનનું વળતર બાળકોને મારીને લેવું ઉચિત છે?