શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામેના ₹60 કરોડના લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટ છેતરપિંડી કેસમાં EOW દ્વારા પૂછપરછ તેજ બની છે. રાજ કુન્દ્રાની બે વાર પૂછપરછ થઈ ચૂકી છે અને ત્રીજી વખત બોલાવવામાં આવશે.કુન્દ્રાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે 2016ની નોટબંધી બાદ તેમની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રા. લિ. ને ભારે નુકસાન થયું હતું, જેના કારણે તેઓ રોકાણકારોને પૈસા પરત આપી શક્યા નહોતા.
દંપતીએ મુંબઈ હાઈકોર્ટમાં પોતાના લુકઆઉટ સર્ક્યુલર (LOC) તાત્કાલિક સ્થગિત કરવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટએ સ્પષ્ટ કર્યું કે આ ગંભીર આર્થિક ગુનો છે અને ₹60 કરોડની સંપૂર્ણ રકમ જમા કરાવ્યા બાદ જ અરજી પર વિચાર થશે.
EOW એ હવે કંપનીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. ફરિયાદી ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આક્ષેપ કર્યો છે કે 2015થી 2023 વચ્ચે કરાયેલા રોકાણના પૈસા વ્યક્તિગત ઉપયોગમાં લેવાયા હતા.શિલ્પાએ પૂછપરછમાં કહ્યું કે તેણે કંપની શરૂ કરી હતી, પરંતુ નાણાકીય નિર્ણયો કે દૈનિક કારોબારમાં તેનો કોઈ હિસ્સો નહોતો.

 
 



 
 