Gujarat: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામના યુવક યશ ઉપાધ્યાય અને ભાવનગરની યુવતી પ્રિયા મોરડિયા વચ્ચે થયેલા પ્રેમલગ્ન બાદ ઊભેલા વિવાદે અંતે અદાલતી રસ્તો લીધો છે. લાંબા સમય સુધી ચાલેલા તણાવ, કોર્ટમાં હાજરીને લઈને થયેલા નાટકીય વળાંકો અને ચર્ચા બાદ અંતે ન્યાયાલયે યુવતીના નિવેદનને આધારે મહત્વનો નિર્ણય આપ્યો છે.
પત્નીની હાજરી માટે પતિ દ્વારા કરવામાં આવેલી અરજી પછી પણ નક્કી સમય સુધી યુવતી કે તેના પરિવારજનો કોર્ટમાં હાજર ન રહેતા મામલો ગંભીર બન્યો હતો. જોકે સાંજના સમયે યુવતી અદાલતમાં ઉપસ્થિત થઈ અને ન્યાયાધીશ સમક્ષ સ્પષ્ટ કહ્યું કે તે પોતાની મરજીથી પતિ યશ સાથે જ રહેવા માગે છે. આ નિવેદન બાદ કોર્ટએ બંનેને સાથે રહેવાની મંજૂરી આપી અને સુરક્ષાના હેતુથી પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો.

બંનેને જ્યાં ઈચ્છે ત્યાં જવાની છૂટ
યુવતીના વકીલ દર્શના જોશીના જણાવ્યા મુજબ, કોર્ટમાં યુવતીએ એકાંતમાં નિવેદન આપ્યું હતું. બંને પક્ષના કોઈ સગા કે વકીલો હાજર નહોતા. યુવતીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તે યશ સાથે જીવન પસાર કરવા માગે છે અને તેને સુરક્ષાની જરૂર છે. આ બાબત ધ્યાનમાં લઈ ન્યાયાધીશે બંનેને પોલીસ સુરક્ષા સાથે જ્યાં ઇચ્છે ત્યાં રહેવાની છૂટ આપી છે.
યશ ઉપાધ્યાયના વકીલ બળવંતભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, યશે પોતાની પત્નીને સાસરી પાસેથી પરત લાવવા માટે ભાવનગર ચીફ કોર્ટમાં અરજી કરી હતી. બપોર સુધી સામે પક્ષ તરફથી કોઈ હાજર ન થયું. બાદમાં યુવતીના વકીલ તરફથી અરજી રજૂ કરવામાં આવી હતી. અદાલતે આ અરજીને ધ્યાનમાં લઈ અગાઉ 29 ડિસેમ્બર 2025ના રોજ યુવતીને પોલીસ સુરક્ષા સાથે હાજર થવાનો આદેશ આપ્યો હતો. અંતે યુવતી કોર્ટમાં હાજર થતાં મામલો નિરાકરણ તરફ ગયો.
સર્ચ વોરંટ છતાં હાજરી ન થવી

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કેસની શરૂઆત પ્રેમલગ્ન બાદ થયેલા હિંસક બનાવથી થઈ હતી. યશ અને તેના માતા-પિતા પર યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. સાથે યુવતીને બળજબરીથી લઈ જવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે યુવતીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે તે અપહરણનો શિકાર નથી, પરંતુ ઝઘડાથી કંટાળીને પોતાની ઈચ્છાથી જ ગઈ હતી. કોર્ટ દ્વારા સર્ચ વોરંટ બહાર પાડવામાં આવ્યા છતાં યુવતીને સમયસર કોર્ટમાં હાજર ન કરી શકાતા સમાજમાં નારાજગી ફેલાઈ હતી.
યશ ઉપાધ્યાયે નિવેદનમાં કહ્યું હતું કે સમાધાનના બહાને તેમને ભાવનગર બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પૂર્વનિયોજિત રીતે તેમના પર અને તેમના માતા-પિતા પર હુમલો કરવામાં આવ્યો. પાઈપ જેવા હથિયારો વડે મારપીટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની પત્નીને મોઢામાં કપડો ભરી, નંબર વગરની ગાડીમાં બેસાડી લઈ જવામાં આવી હતી.
ઘટના બાદ તરત પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવા છતાં FIR નોંધવામાં વિલંબ થયો હોવાનો આરોપ પીડિત પરિવારે લગાવ્યો છે. યુવતીનું નિવેદન લેવામાં આવશે તેવી માહિતી આપ્યા છતાં પરિવારને જાણ ન કરવામાં આવી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. યશના વકીલ B.B. વાઘેલાએ જણાવ્યું કે હુમલામાં ઘાયલ પરિવારજનોને સર ટી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. હુમલા બાદ યુવતીને તેના પરિવારજનોએ જ લઈ ગયા હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
કોર્ટમાં હાજરી ન આપતા સામે પક્ષ

પોલીસે કોર્ટને જાણ કરી હતી કે યુવતીને નોટિસ આપવામાં આવી છે, પરંતુ તેના માતા-પિતા મળી આવ્યા નથી. મોબાઈલ બંધ હોવાના કારણે તેઓ હાજર રહી શક્યા નહીં હોવાનું પોલીસનું કહેવું હતું. અદાલતે 26 ડિસેમ્બર 2025ના રોજ સવારે હાજર થવાનો આદેશ આપ્યો હતો, પરંતુ બપોર સુધી કોઈ હાજર ન થતાં કોર્ટમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના આગેવાનો મેદાને ઉતર્યા છે. ટ્રસ્ટી અને રાષ્ટ્રીય મહામંત્રી મિલનભાઈ શુક્લે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ નિષ્પક્ષ તપાસની માગ કરી છે.
સિટી Dy.SPના જણાવ્યા મુજબ, પ્રિયાએ યશ સાથે પ્રેમ સંબંધ બાદ કાયદેસર લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્નને તેના પિતા પર્વતભાઈની મંજૂરી નહોતી. સમાધાનના હેતુથી બંને પરિવારોને ભોજન માટે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં વાત વણસી ગઈ અને ઝઘડો થયો. આ દરમિયાન પ્રિયા એક નંબર વગરની ગાડીમાં બેસીને ત્યાંથી ગઈ, જેના આધારે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.

યુવતીનું સ્પષ્ટ નિવેદન
Dy.SP સિંધાલે જણાવ્યું કે પ્રિયાબેન પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. તેણે સ્પષ્ટ કહ્યું કે તેનું અપહરણ થયું નથી. પિતા અને સાસરી પક્ષ વચ્ચેના ઝઘડાથી કંટાળીને તે પોતાની મરજીથી જ ગઈ હતી. હાલ પોલીસે તેનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.