ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરો હાઈ એલર્ટ પર
Blast in Delhi: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 8 લોકોના મૃત્યુ થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટના બાદ દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના મોટા શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સાંજે 6.55 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ના પાર્કિંગમાં પાર્ક કરેલી એક ઇકો કારમાં આ વિસ્ફોટ થયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે તેની નજીકમાં પાર્ક કરેલી અન્ય 3 કાર પણ સળગી ગઈ હતી. ઘટના બાદ પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની સઘન તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટના મૂળ કારણની તપાસ માટે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) ટીમોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

ગુજરાતમાં પોલીસ એલર્ટ: રાજકોટ અને વડોદરામાં સઘન ચેકિંગ :-
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્ય શહેરોની પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
રાજકોટ પોલીસ એલર્ટ: રાજકોટમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા રાત્રે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ ફિલ્ડમાં રહીને ચેકિંગ કરશે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિતના તમામ સંવેદનશીલ સ્થળોએ પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને જાહેર સ્થળોએ ઉભા રહેલા દરેક વાહનો અને સામાનની તપાસ કરાશે.

વડોદરા પોલીસ એલર્ટ: વડોદરા શહેર પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને મોલ સહિતના ભીડવાળા સ્થળો પર પોલીસની હાજરી વધારી દેવામાં આવી છે.
અમદાવાદ હાઈ એલર્ટ પર: દિલ્હીમાં થયેલા હુમલા બાદ અમદાવાદ શહેર પણ હાઈ એલર્ટ પર છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે તમામ અધિકારીઓને પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવી છે અને શહેર પોલીસ તેમજ તમામ એજન્સીઓ સંપૂર્ણ રીતે સતર્ક છે.