India: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાના એક વિમાને ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ તેના જમણા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને તાત્કાલિક પરત ઉતારવાની ફરજ પડી હતી. પાયલોટની સતર્કતાને કારણે તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ (નંબર AI 887) એ દિલ્હી એરપોર્ટ પરથી આજે સવારે 6:40 વાગ્યે દિલ્હી થી મુંબઈ માટે ઉડાન ભરી હતી.જોકે, વિમાન હજુ આકાશમાં અમુક ફૂટની ઊંચાઈએ જ પહોંચ્યું હતું ત્યાં અચાનક વિમાનના જમણા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને એન્જિન કામ કરતું બંધ થઈ ગયું હતું. પાયલોટને તરત જ કોકપિટમાં એન્જિન ફેલ્યોરના સંકેતો મળતા, દિલ્હી એરપોર્ટ પર તાત્કાલિક ‘ફુલ ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી અને પ્રોટોકોલ મુજબ તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મુસાફરોની સ્થિતિ
વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. લેન્ડિંગ બાદ મુસાફરોમાં થોડો ડર જોવા મળ્યો હતો, પરંતુ વિમાન સુરક્ષિત રીતે રનવે પર ઉતરતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. એર ઈન્ડિયા દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે
તપાસના આદેશ
એર ઈન્ડિયાના ટેકનિકલ એન્જિનિયરોની ટીમ હવે એન્જિન બંધ થવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા પણ આ મામલે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ટેકનિકલ ખામી હોવાનું જણાય છે.