Mumbai: સોશિયલ મીડિયા પર હાલમાં ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીની માતા રજની ગાંગુલીનો એક ડાન્સ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. ફેમસ કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર માતા સાથેનો એક ક્યુટ વીડિયો શેર કર્યો છે, જેમાં 70 વર્ષની વયે પણ રજની ગાંગુલીની એનર્જી જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં તેઓ ફિલ્મ ‘ધુરંધર’ના સુપરહિટ ગીત ‘શરારત’ પર શાનદાર સ્ટેપ્સ કરતા જોવા મળે છે. તેમના ચહેરા પરના હાવભાવ અને ડાન્સ પ્રત્યેનો ઉત્સાહ જોઈને સાબિત થાય છે કે ટેલેન્ટ માટે ઉંમર માત્ર એક આંકડો છે.
આ વીડિયો વાયરલ થતાની સાથે જ મનોરંજન જગતની હસ્તીઓએ પણ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. ફિલ્મ ધુરંધરમાં આ સોન્ગના ઓરિજનલ સ્ટાર આયશા ખાને પણ બે વાર ઇમોજીની સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે, તો અભિનેત્રી સંધ્યા મૃદુલ અને નિમરત કૌરે પણ તેમની એનર્જીને દાદ આપી છે. સંધ્યા મૃદુલે રમૂજી અંદાજમાં કોમેન્ટ કરતા લખ્યું કે, હવે સમજાયું કે વિજય અને રૂપાલીમાં આ પ્રતિભા ક્યાંથી આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ‘અસલી શરારત તો આ છે’ જેવી કોમેન્ટ્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.