ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો સુધારો કરતા રાજ્ય સરકારે હવે ગુજરાત બહારના પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો માટે કામચલાઉ પરમિટની ફરજિયાત શરત નાબૂદ કરી છે. હવે આવા પ્રવાસીઓ માત્ર પોતાનું ઓળખપત્ર બતાવીને દારૂ મેળવી શકશે. જોકે, મહેમાનોની મેજબાની માટે ટેમ્પરરી પરમિટ લેવી પડશે અને સંબંધિત કર્મચારીએ સાથે હાજર રહેવું અનિવાર્ય રહેશે. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સરકાર આગામી સમયમાં આ છૂટછાટોનો વ્યાપ હજુ વધુ વિસ્તારી શકે છે.
નવા જાહેરનામા મુજબ, ગુજરાત બહારના પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો હવે ગિફ્ટ સિટીમાં પરમિટ વગર, માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે. આ સરળ પ્રક્રિયાથી આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સુવિધા મળશે, પરંતુ આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના નિર્ધારિત વિસ્તાર પૂરતી જ સીમિત રહેશે. કોઈપણ વ્યક્તિ દારૂનો જથ્થો ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં અને નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના નિયમો હળવા કરી આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને પ્રવાસીઓ માટે મોટી રાહત જાહેર કરી છે. નવા નિયમ મુજબ, ગુજરાત બહારના અને વિદેશી નાગરિકો હવે પરમિટ વગર માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે, જ્યારે પરમિટ ધારક કર્મચારીઓ એકસાથે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. FL-III લાયસન્સ ધરાવતી હોટલોમાં હવે નિર્ધારિત વિસ્તારો ઉપરાંત રૂમ, ટેરેસ અને પૂલ સાઈડ પર પણ દારૂ પીરસી શકાશે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ‘નાઈટ ઈકોનોમી’ને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે લેવાયેલો આ નિર્ણય માત્ર 21 વર્ષથી વધુ વયના લોકો માટે જ છે અને નિયમ ભંગ બદલ કડક કાર્યવાહીની જોગવાઈ પણ રાખવામાં આવી છે.