દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર થઈ છે.
આ ખામીના કારણે 300થી વધુ આવતી–જતી ફ્લાઇટ્સ ડીલે થઈ ગઈ છે.
દિલ્હીથી અમદાવાદ વડોદરા અને સુરત જતી અનેક ફ્લાઇટ્સ સમય કરતાં મોડી થઈ છે.
માહિતી મુજબ,બપોરે 1 વાગ્યા સુધીમાં 5 જેટલી ફ્લાઇટ્સ અમદાવાદ એરપોર્ટ પર મોડી પડી હતી, જ્યારે વડોદરા માટેની બે ફ્લાઇટ્સ પણ ડીલે થઈ છે.
દિલ્હીથી સુરત જતી એર ઈન્ડિયા અને ઈન્ડિગોની સવારની ફ્લાઇટ્સમાં પણ એકથી દોઢ કલાકનો વિલંબ નોંધાયો હતો.
હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, પરંતુ સવારની ઘણી ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
દિલ્હીથી આવતી–જતી બંને ફ્લાઇટ્સ પર અસર
દિલ્હીથી અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં જતી ફ્લાઇટ્સમાં એક કલાકથી વધુનો વિલંબ જોવા મળ્યો છે.
ATC સિસ્ટમની ટેક્નિકલ ખામીના કારણે IGI એરપોર્ટની આવતી અને જતી બંને ફ્લાઇટ્સ પર અસર થઈ છે.
તેની અસર અમદાવાદની આવનારી ફ્લાઇટ્સ પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી છે.