આજે અમદાવાદમાં 70મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ યોજાઈ રહ્યો છે. કાજોલ, અનુપમ ખેર, બબીતા (મુનમુન દત્તા), બોની કપૂર સહિત અનેક સ્ટાર્સ અમદાવાદ પહોંચી ગયા છે. ખાસ વાત એ છે કે શાહરુખ ખાન 17 વર્ષ પછી ફરી એક વાર આ એવોર્ડ શોનું સંચાલન કરશે.
ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ 11 ઑક્ટોબર, 2025ના રોજ અમદાવાદના એક્કા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયામાં યોજાશે. આ ભવ્ય સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય નેતાઓ તથા જાણીતા ફિલ્મી કલાકારોની હાજરી રહેશે. શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની ત્રિમૂર્તિ આ રાતને વિશેષ અને યાદગાર બનાવશે.
અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સના આગમનનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અનુપમ ખેર, કાજોલ, બોની કપૂર, મુનમુન દત્તા (બબીતા), મોહનીશ બહેલ, ગાયિકા ધ્વનિ ભાનુશાલી, સન્ની સિંહ, અવની મોદી, ‘આશ્રમ’ સીરિઝની અભિનેત્રી અદિતિ સહિત અનેક સિતારાઓ અમદાવાદ આવી ગયા છે.
ગઈકાલે અક્ષય કુમાર અને અભિષેક બચ્ચન સહિત અનેક સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી ક્લાઉડિયા સીએસ્લા પણ ચાહકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ક્લાઉડિયા પોતાના બોયફ્રેન્ડ અર્જુન ગોયલ સાથે સ્પોટ થઈ હતી, જ્યારે સિદ્ધાંતને ચાહકોએ ઓટોગ્રાફ અને સેલ્ફી માટે ઘેરી લીધો હતો.
અભિષેક બચ્ચન અને અક્ષય કુમારનું ITC નર્મદા હોટેલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટેલમાં તેમના આતિથ્ય માટે આટા લાડુ, કોકોનટ લાડુ, મોહનથાળ, મિલ્ક ચોકલેટ ફજ અને પીનટ બટર બ્રાઉની જેવી સ્વાદિષ્ટ વાનગીઓ રાખવામાં આવી હતી.
આજે રાત્રે મોડીરાતે શાહરુખ ખાન સહિત અનેક સેલેબ્રિટીઓના આગમન સાથે એરપોર્ટ પર ચાહકોનો ભારે જમાવડો જોવા મળશે, જે બાદ તેઓ સીધા જ હોટેલમાં જશે.

 
 



 
 