ચંદ્રયાન-૩ ( Chandrayaan-3 )ના ચંદ્ર પર સફળ ઉતરાણ બાદ સમગ્ર વિશ્વ ભારતના વખાણ કરી રહ્યું છે. બે દિવસ પછી પાડોશી દેશ પાકિસ્તાને પણ ભારત અને ઈસરોની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર એટલે કે ઈસરો ( ISRO) ની પ્રશંસા કરી છે. પાક વિદેશ મંત્રાલયે કહ્યું, આ વૈજ્ઞાનિકોની મોટી ઉપલબ્ધિ છે. આ માટે ઈસરોના વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર છે.
ઈમરાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગના દિવસે જ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ભારત માટે ગર્વની ક્ષણ છે. આ દરમિયાન, તેમણે ઇસરોના વડા સહિત તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા, જેઓ આ મિશનનો ભાગ હતા. ચંદ્રયાન-૩ એ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. જણાવી દઈએ કે આ એ જ ફવાદ ચૌધરી છે જેણે ચંદ્રયાન-૨ ના અસફળ લેન્ડિંગની મજાક ઉડાવી હતી. પરંતુ આજે ભારતની સફળતા સામે તેમને ઝુકવું પડ્યું હતું.
ચંદ્ર પર ચંદ્રયાન-૩ના સફળ સોફ્ટ લેન્ડિંગથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ખુશ છે અને ભારત અને ઈસરોને પોતાની શુભેચ્છાઓ મોકલી રહ્યું છે. ફવાદ ચૌધરીએ ચંદ્રયાન-૩નું લેન્ડિંગ પાકિસ્તાનમાં લાઈવ બતાવવાની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે પાકિસ્તાની મીડિયાને લાઈવ બતાવવું જાેઈએ. માનવતા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ભારતના લોકો, વૈજ્ઞાનિકો અને ભારતના અવકાશ સમુદાય માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ અંગે તેમણે કહ્યું હતું કે સપનાઓ ધરાવતી યુવા પેઢી જ દુનિયા બદલી શકે છે.