Visnagar: વિસનગર કોર્ટ દ્વારા ચેક રિટર્નના ગુનામાં સજા ફટકારાયા બાદ છેલ્લા સવા વર્ષથી નાસતા-ફરતા આરોપી રીતેશકુમાર ચીનુભાઈ મોદીને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ રવિવારે વિસનગરની બાજી પટેલની વ્હોરવાડમાંથી કરવામાં આવી હતી.
સજા વોરંટ બાદ આરોપી ફરાર હતો :
વિસનગરની બાજી પટેલની વ્હોરવાડ તેમજ અમદાવાદના જૂના વાડજ, નરસિંહનગર સોસાયટીના રહેવાસી રીતેશકુમાર ચીનુભાઈ મોદી સામે વિસનગર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં કોર્ટે તેમને સજાનો હુકમ કર્યો હતો.જોકે, સજાના સમયે આરોપી હાજર ન રહેતાં કોર્ટે તેમની વિરુદ્ધ સજા વોરંટ કાઢ્યું હતું. આ વોરંટ બાદ તેઓ છેલ્લા સવા વર્ષથી પોલીસ પકડથી દૂર હતા.
બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો :
શહેર પોલીસને બાતમી મળી હતી કે ફરાર આરોપી રીતેશકુમાર મોદી વિસનગરની બાજી પટેલની વ્હોરવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે.આ માહિતીના આધારે, ASI ભરતજી, પો.કો. ઇરફાનબેગ, મહેશભાઈ અને અજેશકુમાર સહિતના પોલીસ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી રીતેશકુમાર મોદી મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી પોલીસ મથકે લાવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.