ગુજરાત રાજ્યના ગ્રામ પંચાયતની ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન થયું
આજે રાજ્યની ૮૬૮૪ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે. આ ગ્રામ પંચાયતોમાં ૮૫૬૦ સરપંચ પદ માટે કુલ ૨૭ હજાર ૨૦૦ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. જ્યારે ૫૩ હજાર ૫૦૭ સભ્યો ચૂંટવા માટે ૧ લાખ ૧૯ હજાર ૯૯૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે ૮૬૬૪ ગ્રામ પંચાયતોમાં કુલ ૫૧ હજાર ૭૪૭ પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્તમાં ગોઠવાયા છે. મતદાન પ્રક્રિયા માટે ૨,૫૪૬ ચૂંટણી અધિકારીઓ, ૨,૮૨૭ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ૧ લાખ ૩૭ હજાર ૪૬૬ પોલીંગ સ્ટાફ ફરજ પર હાજર છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે કુલ ૨૩ હજાર ૯૦૭ મતદાન મથકો ઉભા કરવામા આવશે. જેમાં ૬ હજાર ૬૫૬ મતદાન મથકો સંવેદનશીલ અને ૩૦૭૪ મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામા આવ્યા છે. ૮૬૮૪ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ ૧ કરોડ ૮૨ લાખ ૧૫ હજાર ૦૧૩ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૯૩ લાખ ૬૯ હજાર ૨૦૨ પુરુષ મતદાર છે, જ્યારે ૮૮ લાખ ૪૫ હજાર ૮૧૧ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. બપોરે ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૦ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતમાં ૫૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૨ ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૬૦ ટકા, મધ્ય ગુજરાતમાં ૫૮ ટકા મતદાન થયું છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા છે. તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બોગજ ગામમાં પંચાયતની ચૂંટણી દરમિયાન આજે ભાજપ અને બીટીપીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. મારમારીમાં ભરૂચના સાંસદ સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નવસારીના ગણદેવી તાલુકાના કછોલી ગામમાં ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર ૭ અને વોર્ડ નંબર ૮માં બેલેટ પેપર બદલાઈ જતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર ૭ના બેલેટ પેપર વોર્ડ નંબર ૮માં અને વોર્ડ નંબર ૮ના બેલેટ પેપર વોર્ડ નંબર ૭માં આપી દેવાતા મતદારો મૂંઝવણમાં મુકાયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની અક્ષરધામ સોસાયટીમાં મતદાન દરમિયાન ઘર્ષણ સર્જાતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. મતદાન મથકની બહાર બબાલ થતા લોકોના ટોળા એકઠા થતા પોલીસે વિખેર્યા હતા. આણંદના લાંભવેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોનો ધસારો સતત વધતા મતદારોની લાંબી કતારો થઈ હતી.એક તરફ વધુ ઝડપી મતદાન કરી મતદાર પોતાની ફરજ પુરી કરવા માંગતા હતા ત્યાં જ પોલિંગ બુથ સ્ટાફના તમામ કર્મચારીઓએ અચાનક રિસેસ પાડી દેતા મતદાન બંધ થઈ ગયું હતું. જેને લઈ ભારે હોબાળો મચ્યો હતો.ઉમેદવારો અને મતદારોમાં પણ ભારે રોષ પ્રવર્તતા અને તે અંગે ઝોનલ ઓફિસરને રજૂઆતો થતા તે દોડી આવ્યા હતા.આ મામલે માફી માંગી મામલો થાળે પડ્યો હતો.
રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં ૩૬૧ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તેની સાથે જિલ્લામાં સૌથી ઓછી વેકસીનેસન ની કામગીરી થઈ છે એ રાપર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયત માટે ચાલતા મતદાન પ્રક્રિયા સાથે ૧૧૩ સ્થળે મતદાતાઓને ઇચ્છાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વિરુદ્ધની રસી મુકવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. મોરબી જિલ્લાના અનેક ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનની કતારો લાગી છે. ત્યારે મોરબીના શિવનગર ગામે ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કારણ કે ગ્રામજનોની માંગ છે કે, ગામમાં વિકાસના કાર્યો થાય તે માટે પંચાસર ગામથી અલગ ગ્રામ પંચાયત બનાવવામાં આવે.મોરબીના પંચાસર ગામની નજીક આવેલા શિવનગર ગામના લોકોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. ગામના એકપણ વ્યક્તિએ મતદાન મથકે જઈ મત આપ્યો નથી. કારણ કે ગામજનોની માંગ છે કે, અલગ ગ્રામ પંચાયત બનાવવામાં આવે. જેથી, ગામના કાર્યો સુચારુ રીતે થાય. આશરે ૫૭ વર્ષથી શિવનગર ગામ પંચાસર ગામથી અલગ થયેલી છે. પરંતુ હજુ સુધી તેમને ગ્રામ પંચાયત મળેલી નથી.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper