રવિવારે લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ બાબતે આજે ૧૫ ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા ગૌણ સેવા મંડળને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માગણી તેમજ જવાબદારો અને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. તો બીજી બાજુ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાએ પત્રકારોને માહિતી આપી હતી કે હેડ ક્લાર્કની પરીક્ષા ૮૮ હજાર ઉમેદવારોએ આપી હતી. પરંતુ પેપર લીક થયાની ફરિયાદ હજી સુધી અમને મળી નથી.મીડિયાના અહેવાલને આધારે અમે તપાસ કરી અને ગૃહ રાજ્ય મંત્રી સાથે અમે બેઠક કરી હતી. જે કોઈ વ્યક્તિ જવાબદાર હશે તેની સામે કડક પગલાં ભરીશું. પેપર લીક થયાના હજી સુધી કોઈ પુરાવા અમને મળ્યાં નથી. પુરાવા મળશે તો ફરિયાદ દાખલ થશે.તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં જે તસવીરો આવી હતી તે પરીક્ષા પછીની તસવીરો છે.આજ દિન સુધી મંડળ પાસે પેપર લીકની કોઈ ફરીયાદ આવી નથી છતાં પણ પોલીસે તપાસ શરુ કરી છે.
પોલીસની ૧૫ થી ૧૬ જેટલી ટીમો કામે લાગી છે અને તપાસ ચાલી રહી છે. આજે સવારે ગૃહમંત્રી સાથે મીટીંગ થઈ છે જેમાં પોલીસ દ્વારા સઘન તપાસની ચર્ચા થઈ છે. જાે પોલીસ તપાસમાં કોઈ કસુરવાર હશે તો કડક પગલા લેવાશે પરંતુ અત્યાર સુધી કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. પેપર લીક થયાના પુરાવા પ્રાપ્ત થશે તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવશે અને પગલા લેવામાં આવશે.આન્સર કી મુકવાની હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર પરીક્ષાની આગલી રાત્રે નવ વાગ્યે જ પેપર આવી ગયું હતું
ઊંછા ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના ૧૬ ઉમેદવારની પાસેથી વ્યક્તિદીઠ ૧૨ લાખ રૂપિયા લઇ રાત્રે નવ વાગ્યે પેપર હાથમાં આપ્યાં હતાં. એ સાથે કેટલાંક સોલ્યુશનનાં પુસ્તકો આપી એમાંથી જવાબ પણ શોધી લેવાયા હતા, પરંતુ ૨૦૦માંથી અમુક પ્રશ્નોના જવાબ ન મળતાં કેટલાક ભરતી પરીક્ષાના ટ્રેનરોને બોલાવીને તેમના થકી બાકીના પ્રશ્નો સોલ્વ કરાયા હતા.