મોદીપુરના દંપતિએ તેમાં રૂપિયા ૨૮.૧૬ લાખની રકમ ભરીને બેંકમાં ભરીને ખોટી ફરિયાદ કરી
મહેસાણાના મોદીપુરના દંપતીએ એક વેપારી સાથે ઠગાઈ કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.મહેસાણાના મેડિકલની દુકાન ધરાવતા વેપારી સાથે અજીબો ગરીબ ઠગાઈ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેડિકલના વેપારીએ મકાન ખરીદ પેટે બિલ્ડરને આપેલા કોરા ચેક મેળવીને મોદીપુરના દંપતિએ તેમાં રૂપિયા ૨૮.૧૬ લાખની રકમ ભરીને બેંકમાં ભરીને ખોટી ફરિયાદ કરીને ચેક રિટર્નની ફરિયાદ રફેદફે કરવા અને માનસિક દબાણ લાવવા ષડયંત્ર કર્યાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.
મહેસાણાની ધરમ સિનેમા પાછળ ઓમ બંગલોઝમાં રહેતા નિરવ શાંતિલાલ પંડ્યા ટીબી રોડ ઉપર સિધ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં મહાકાળી મેડિકલ એજન્સી ધરાવે છે.તેઓને મકાન ખરીદ કરવાનું હોવાથી મોદીપુરના તેમના મિત્ર મહેન્દ્ર પ્રજાપતિને જણાવતા તેઓએ બિલ્ડર પિયુષભાઈ પટેલ સાથે ઓળખાણ કરાવીને અગસ્ત કુટીર સ્કીમમાં રૂપિયા ૫૧.૫૧ લાખની કિંમતનો પ્લોટ રાખ્યો હતો. નિરવ પંડ્યાએ ઈન્ડુસઈન્ડ બેંકના ૧૯૫૧૨૭ થી ૧૯૫૧૩૯ સુધીના ચેક આપ્યા હતા. તે પૈકી ૨૭ થી ૩૦ સુધીના ચેક મુજબની રકમ પ્લોટ માલિકોને મળી ગઈ હતી. જ્યારે ૧૯૫૧૩૧ થી ૧૯૫૧૩૯ સુધીના ચેક બિલ્ડર પાસે કોરા પડી રહ્યા હતા. કોરા ચેકની માંગણી કરતાં તેઓએ આડા અવળા મૂકાઈ ગયા હોવાથી મળ્યેથી આપી દેવાનો વિશ્વાસ આપ્યો હતો.
નિરવ પંડ્યાએ મહેન્દ્ર પ્રજાપતિને રૂપિયા ૧૪ લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેની ચુકવણી કરવા મહેન્દ્ર પ્રજાપતિએ આપેલો ચેક પરત ફરતાં નિરવ પંડ્યાએ મહેન્દ્ર પ્રજાપતિ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. આ કાર્યવાહીથી બચવા માટે મહેન્દ્ર પ્રજાપતિએ અગસ્ત કુટીરના ભાગીદાર પિયુષ પટેલ પાસેથી સિક્યોરીટી પેટે આપેલા ૧૩ કોરા ચેક પૈકી ૧૯૫૧૩૧ અને ૧૯૫૧૩૨ મેળવી એક ચેકમાં ૧૩ લાખ અને બીજા ચેકમાં મહેન્દ્ર પ્રજાપતિની પત્ની ભાવનાબેનના નામે ૧૫.૧૬ લાખની ખોટી રકમ ભરી ઈન્સઈન્ડ બેંકમાં રજૂ કરતાં બેન્કે નિરવ પંડ્યાને જાણ કરી હતી.તેથી નિરવ પંડ્યાએ સ્ટોપ પેમેન્ટ કરાવ્યુ હતુ.
ભાવનાબેન અને મહેન્દ્ર પ્રજાપતિ નિરવ પંડ્યા પાસે એકપણ રૂપિયો માંગતા નહી હોવા છતાં અગાઉના ચેક રિટર્નનો કેસ રફેદફે કરવા અને માનસિક દબાણ લાવવા બિલ્ડર પાસે પડી રહેલા કોરા ચેકનો દુરૂપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરતી અરજી નિરવ પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને કરી હતી. અરજી સંદર્ભે ૪ માસ સુધી તપાસ કર્યા બાદ મહેસાણા તાલુકા પોલીસે મોદીપુરના મહેન્દ્ર સોમાભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન સામે ગુનો નોંધ્યો છે.