બાંગ્લાદેશનો બેટ્સમેન મુશ્ફિકુર રહીમ શુક્રવારે ભારત સામેની એશિયા કપની સુપર ફોરની મેચ ગુમાવશે. મુશ્ફિકુર તાજેતરમાં બાળકનો પિતા બન્યો હોવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પરિવાર સાથે સમય ગાળવા તેની વધારાની રજા મંજૂર કરી છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સના ચેરમેન મોહમ્મદ જલાલ યુનુસે જણાવ્યું કે, મુશ્ફિકુરે અમને જાણ કરી હતી કે તેની પત્નીએ બાળકને જન્મ આપ્યો છે અને તે હજુ રિકવર થઈ રહી છે. આ કારણથી તેને પોતાની પત્ની અને બાળકો સાથે રહેવાની જરૂર છે. અમે તેની પરિસ્થિતિને સમજી શકીએ છીએ અને એટલા માટે જ અમે તેને ભારત સામેની મેચમાં નહીં રમવા મંજૂરી આપી છે.
મુશ્ફિકુર રહીમ બીજી વખત પિતા બન્યો છે અને તે તેની પત્નીની ડિલીવરી વખતે રજા પર ગયો હતો. બાદમાં તે ભારત સામેની મેચ અગાઉ કોલંબો પરત ફરવાનો હતો પરંતુ હવે તે ઢાકામાં પરિવાર સાથે જ રહેશે. બાંગ્લાદેશનો સુપર ફોર રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે પરાજય થયો હોવાથી તે હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને ભારત સામે શુક્રવારે ઔપચારિક મુકાબલો રમશે. બીજી તરફ ભારતે પાકિસ્તાન અને શ્રીલંકા સામે સુપર ફોર મુકાબલા જીતીને ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.