ભારતીય ક્રિકેટના દંતકથા સમાન ખેલાડી સચિન તેંડુલકરે પોતાના નવા સ્પોર્ટ્સ બ્રાન્ડ ‘ટેન એક્સ યુ (10XU)’નું લોન્ચિંગ કર્યું છે. તેમણે કહ્યું કે, “મારો ઉદ્દેશ્ય ભારતને માત્ર રમતને પ્રેમ કરનાર દેશથી આગળ લઈ જઈ, તેને રમત રમનાર દેશમાં પરિવર્તિત કરવાનો છે.
શુક્રવારે મુંબઈના બાંદ્રામાં સ્થિત મહેબૂબ સ્ટુડિયોમાં યોજાયેલા લોન્ચ ઇવેન્ટમાં સચિન સાથે તેમની પત્ની અંજલિ, પુત્રી સારા, ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ આમરે અને વર્તમાન BCCI મુખ્ય સિલેક્ટર અજિત અગરકર પણ હાજર રહ્યા હતા.
સચિનના જણાવ્યા મુજબ, આ બ્રાન્ડનું મિશન દેશમાં રમતગમત પ્રત્યેનો જુસ્સો વધારવાનો અને સ્પોર્ટ્સને દરેક વ્યક્તિના જીવનનો ભાગ બનાવવા તરફ પ્રયત્ન કરવાનો છે. ‘ટેન એક્સ યુ’ માત્ર રમતવીરો માટે નહીં, પરંતુ સામાન્ય લોકો માટે પણ અનુકૂળ એવા સ્પોર્ટ્સ શૂઝ, ટી-શર્ટ અને અન્ય ફિટનેસ પ્રોડક્ટ્સ રજૂ કરશે.
તેમણે જણાવ્યું કે, આ બ્રાન્ડને વિકસાવવામાં લગભગ 18 મહિનાનો સમય લાગ્યો છે. “મારા કારકિર્દી દરમિયાન જે ખાલીપો મને અનુભવાયો, તેને પૂરો કરવા માટે આ પહેલ કરી છે,” સચિને કહ્યું. “અમારા પ્રોડક્ટ્સ એવા છે કે જે કોઈ પણ ઉપયોગ કરી શકે – ફક્ત રમતવીરો માટે જ નહીં. મારો ધ્યેય છે કે ભારત રમત-પ્રેમી દેશમાંથી રમત-અનુભવી દેશ બને.”
સચિનને આ બ્રાન્ડનો વિચાર સન 2000માં થયેલી પગની ઈજાથી આવ્યો હતો. તે વખતે ઈજા એટલી ગંભીર હતી કે ઈન્જેક્શનથી આરામ મળતો નહોતો. ત્યારબાદ ડૉક્ટરોએ તેમને યોગ્ય ઇન્સોલ્સ અને સ્પોર્ટ્સ શૂઝ વાપરવાની સલાહ આપી. આ અનુભવથી જ તેમને યોગ્ય ફૂટવેરનું મહત્વ સમજાયું અને તે જ પરથી ‘ટેન એક્સ યુ’ની પ્રેરણા મળી.
સચિન પોતે આ બ્રાન્ડના સહ-સ્થાપક તથા ‘ચીફ ઈન્સ્પિરેશન ઓફિસર’ છે. તેમનો મત છે કે “સ્પોર્ટ્સ અને ફિટનેસ ફક્ત વ્યાવસાયિક ખેલાડીઓ પૂરતું નથી, પણ દરેક વ્યક્તિના દૈનિક જીવનનો અવિભાજ્ય ભાગ બનવું જોઈએ.”

 
 



