ઉ.ગુ.માં 35 દિવસ બાદ વરસાદની એન્ટ્રી, અરવલ્લી, ડીસામાં ઝાપટાં
મહેસાણા શહેરમાં રાત્રે 10 વાગે પવનના સુસવાટા સાથે વરસાદ પડતાં આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. તો અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વાવાઝોડા સાથે માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા, મોડાસા અને શામળાજી, હિંમતનગર પંથકમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. તો બનાસકાંઠાના ડીસા તેમજ રાત્રે વડનગર પંથકમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.
સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે મુખ્ય 6 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને વટાવી જતાં બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ થયો હતો. 38.5 ડિગ્રી સાથે પાટણ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 38.2 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું બીજુ સૌથી ગરમ શહેર રહ્યું હતું. એક બાજુ આકરા તાપથી ઉત્તર ગુજરાતવાસીઓ સેકાઇ રહ્યા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 50% વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 8 થી 10 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના 50% વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
SOURCE : DIVYA BHASKAR