પાટણમાં ધારપુર સિવાય એકપણ કિડનીની બીમારીથી પીડિત દર્દીઓની સારવાર માટે નિઃશુલ્ક સુવિધા ન હોવાથી ગરીબ દર્દીઓને ધારપુર સુધી લાંબુ થવું પડ્તું હતું. ત્યારે પાટણ શહેરમાં જ સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને નિઃશુલ્ક ડાયાલિસિસ કરવા માટે એસી સેન્ટરમાં ૧૦ ડાયાલિસિસ મશીન, બેડ, મનોરંજન માટે દરેક બેડ આગળ ટીવી સ્ક્રીનની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. નોંધનીય છે કે પ્રથમ મહિનામાં રોજના ૫ દર્દીઓએ ડાયાલિસિસ સેન્ટરનો લાભ લીધો હતો.
જેમાં લોકોનો ઘસારો વધતાં રોજના ૧૦થી વધારે દર્દીઓ ડાયાલિસિસ સારવાર કરાવી રહ્યા છે.સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી અરવિંદ પરમારે જણાવ્યું હતું કે, ડાયાલિસિસ સેન્ટરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇ પાંચ બેડ વધારવાનું અમે વિચાર્યું છે. શરૂઆતમાં દર્દીઓનો ઓછો ઘસારો હતો, પરંતુ હવે રોજના દસથી વધારે દર્દીઓ લાભ લઈ રહ્યા છે. બે માસમાં ૩૫૦થી વધુ દર્દીઓને ડાયાલિસીસ કરાવીને અમે સેવાનો લાભ લીધો છે. ઉપરાંત જેમની પાસે પીએમ કાર્ડ હોય તેમને ભાડું પણ આપવામાં આવે છે.
પાટણમાં જરૂરિયાતમંદ અને કિડનીની બીમારીથી પીડાતા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર માટે અમદાવાદની કિડની હોસ્પિટલનાં સહિયોગથી પાટણની સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરાયું હતું. જેમાં દર્દીને સુવિધાઓની સાથે ભાડું પણ મળતું હોવાથી દર્દીઓનો ઘસારો વધતા હોસ્પિટલમાં દર્દીઓના હિતમાં વધુ ૫ બેડ વધારવાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે માત્ર બે માસમાં જ ૩૫૦થી વધુ દર્દીઓએ આ સેન્ટરમાં ડાયાલિસિસનો લાભ લીધો છે.