| |

MAHESANA : ખેરાલુમાં પત્ની સાથે આડાસંબંધો હોવાના વહેમમાં પેટમાં છરી મારતાં ઘાયલ યુવાનનું મોત

ખેરાલુ તાલુકાના નવા દેલવાડા ગામે એક શખ્સે તેની પત્ની સાથે આડાસંબંધો હોવાના વહેમમાં  પેટમાં છરી મારતાં ગંભીર રીતે ઘાયલ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.મૃતકની કાકીએ હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવતાં ખેરાલુ પોલીસે તપાસ હાથ ધરી છે.

ખેરાલુના દેસાઇવાડામાં રહેતાં 60 વર્ષીય ચંપાબેન કચરાજી ઠાકોરનો 32 વર્ષીય ભત્રીજો રવાજી કોદરજી ઠાકોર નવા દેલવાડા ગામે સમાજમાં લગ્ન પ્રસંગે ગયો હતો. ત્યારે તા.18 મેના રોજ રવાજીને શાંતુજી મણાજી ઠાકોર નામના શખ્સે મારી પત્ની તારા ઘરમાં કેમ રાખેલી તેમ કહી પેટના ભાગે છરી મારી હતી.

રવાજીને ચારેક દિવસ પછી દુ:ખાવો થતાં તેને વડનગર સિવિલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો.જ્યાં રવાજીના પેટના ભાગે તબીબે ઓપરેશન કર્યું હતું.

સિવિલમાં 3 જૂનના રોજ રવાજી કોદરજી ઠાકોરનું મોત થયું હતું. આથી પોતાના ભત્રીજાની હત્યા અંગે ચંપાબેન ઠાકોરે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં દેલવાડા ગામના શાન્તુજી મણાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.