જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ગેરકાયદેસર વેપાર પર તવાઈ, ગવાડા (પામોલ) નજીક ખેતરની ઓરડીમાંથી એક શખસ ઝડપાયો.
વિજાપુર/મહેસાણા: ઉત્તરાયણ પર્વ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલોના વેપાર સામે મહેસાણા જિલ્લા પોલીસ વડાના આદેશથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કડક કાર્યવાહી હાથ ધરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિજાપુર તાલુકાના ગવાડા (પામોલ) ગામ નજીકથી એક શખસને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન LCBના અ. હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર અને અ. પોલીસ કોન્સ્ટેબલ મૌલિકકુમારને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે વિજાપુર તાલુકાના ગવાડા (પામોલ) ખાતે રહેતા ઠાકોર પરેશજી રજુજીના ખેતરમાં આવેલા ઘરે (ઓરડી) પંચો સાથે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન આરોપીના ઘરની આગળ આવેલા પતરાના ઢાળીયામાંથી બે બોક્સ ભરેલી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી.
પોલીસે જ્યારે આ બોક્સની તપાસ કરી તો તેમાંથી કુલ ૮૫ ચાઇનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. પોલીસે એક રીલની કિંમત ₹ ૫૦૦ લેખે કુલ ₹ ૪૨,૫૦૦નો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો.એલ.સી.બી.એ આરોપી ઠાકોર પરેશજી રજુજીને સ્થળ પરથી પકડી પાડી તેની વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી અર્થે ગુનો નોંધાવ્યો છે. પોલીસે ગેરકાયદેસર દોરીનો વેપાર કરતા અન્ય શખસો પર પણ વોચ રાખી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.