દ્વારકાના દરિયાનું રોદ્ર રૂપ, ઓખા જેટી અને ડાલડા બંદરમાં દરિયાનાં પાણી ઘૂસ્યાં, કાંઠા વિસ્તારનાં ગામો સજ્જડ બંધ
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે ગુજરાતની નજીક પહોંચ્યુ છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 170 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે.
જોકે, પવનની ગતિમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ‘બિપરજોય’ વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે.વાવાઝોડું રાત્રે 9 થી 10 કલાકની આસપાસ ટકરાશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. તેમજ પવનની ગતિ પણ 115-125 kmph રહેવાની સંભાવના છે.
- Advertisement -
આજે બપોર બાદ નવલખી અને કંડલામાં 2થી 3 માળ સુધીનાં મોજાં ઊછળશે. દરિયા કિનારે ભારે કરંટ જોવા મળશે.હાલ સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયો ગાંડોતૂર થયો છે. તેમજ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી રોડ-રસ્તા પર સૂમસામ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. દ્વારકાના ઓખા જેટી પર દરિયાના પાણી ફરી વળ્યા છે. તેમજ ડાલડા બંદરમાં પણ દરિયાઈ પાણી ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર દ્વારા લોકોને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યાં છે.
આજ સવારથી જ વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયા કિનારે ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા વચ્ચે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. દ્વારકાના સંગમ મંદિર પાસેના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
લખપત અને અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીકનાં ગામોની બજારો સંભવિત ચક્રવાતને લઇ સલામતીના ભાગરૂપે તારીખ 14થી 16 એમ સળંગ ત્રણ દિવસ બંધ રાખવા કરછ કલેકટર અમિત અરોરાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જોકે દૂધ, શાકભાજી અને મેડિકલ જેવી જરૂરિયાતના વ્યવસાય ચાલુ રહેશે.
- Advertisement -
દરિયાકિનારા વિસ્તારના સંભવિત અસર પામનારાં દયાપર, દોલતપર, પાન્ધ્રો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલિયા, કોઠારા, નખત્રાણા ગામોમાં બજારની તમામ દુકાનો/ગલ્લાઓ/લારીઓ બંધ રાખવા હુકમ કર્યો છે.