દિલ્હીમાં ચાલી રહેલા ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેના ટેસ્ટ મેચના પ્રથમ જ દિવસે ટીમ ઈન્ડિયાએ મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. શુક્રવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમતના અંતે ભારતે માત્ર બે વિકેટ ગુમાવીને 318 રનનો સ્કોર ઉભો કર્યો હતો. યશસ્વી જયસ્વાલ 173 અને કેપ્ટન શુભમન ગિલ 20 રન સાથે અણનમ રહ્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝ સામે જયસ્વાલની આ અત્યારસુધીની શ્રેષ્ઠ ટેસ્ટ ઇનિંગ ગણાય. 2023ની પોતાની ડેબ્યૂ મેચમાં તેણે 171 રન બનાવ્યા હતા. આ વખતે તેણે તે રેકોર્ડને પાછળ છોડી દીધો છે.ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય લેનાર શુભમન ગિલની સાથે કેએલ રાહુલે શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 38 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ સાઈ સુદર્શને યશસ્વી સાથે 193 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. સુદર્શન 87 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ડાબા હાથના સ્પિનર જોમેલ વોરિકને બંને વિકેટ લીધી.
યશસ્વી જયસ્વાલે 82મી ઓવરમાં ખૈરી પિયરીની બોલિંગ પર સિંગલ લઈને પોતાની 150 રનની ઇનિંગ પૂરી કરી હતી. ભારતમાં રમાયેલા મુકાબલાના પહેલા દિવસે આ બીજી વાર છે કે જયસ્વાલે 150 રનનો આંકડો પાર કર્યો છે. અગાઉ તેણે 2024માં વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી.
યશસ્વી પહેલાં ઘરેલુ મેદાન પર એક જ દિવસમાં બે વાર 150થી વધુ રન બનાવનાર એકમાત્ર ભારતીય ખેલાડી વિરાટ કોહલી હતા. કોહલીએ 2016માં વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડ અને દિલ્હીમાં શ્રીલંકા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે યશસ્વીએ પણ આ સિદ્ધિ સાથે કોહલીની બરાબરી કરી લીધી છે.

 
 



