Bhavnagar: કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં બે વ્યક્તિઓએ માતા અને પુત્ર પર હુમલો કરતાં માતાના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું, આ મામલે ઇજાગ્રસ્ત માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ બંને પિતા-પુત્ર ને ઝડપી લઈ કાયેસદરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રામુબેન વા/ઓ શામજીભાઈ સોલંકી ઉં.વ.-62, જેઓ ઘરકામ કરી ગુજરાન ચલાવે છે અને કુંભારવાડા, લાઈન નંબર-3 માં રહે છે, ગઇકાલે બપોરે લગભગ બે વાગ્યાના સુમારે તેમનો દીકરો નરેશભાઈ રામાપીરના મંદિરના ડેલા પાસે ઉભો હતો.
આ સમયે ત્યાં સામે રહેતા અરજણ ભીમજીભાઈ ગોહિલ અને તેમનો દીકરો અશ્વિન અરજણભાઈ ગોહિલ બંને પોતાના હાથમાં ધોકા લઈને આવ્યા હતા. તેમણે નરેશભાઈને “કેમ તું મંદિર પાસે ઉભો છે?” કહીને ગાળો દેવાનું શરૂ કર્યું હતું. આ ઝઘડાની જાણ થતાં રામુબેન વચ્ચે પડીને મામલો સમજાવવા ગયા હતા. જોકે, આરોપી અશ્વિન અરજણભાઈ ગોહિલે ઉશ્કેરાઈ જઈને રામુબેનને તમે આઘા રહો તેમ કહી, તેમના હાથમાં રહેલો ધોકો રામુબેનના ડાબા હાથ ઉપર માર્યો હતો. આ હુમલા બાદ પિતા-પુત્રની જોડીએ મળીને નરેશભાઈને પણ આડેધડ લાકડીના ધોકાથી માર મારવાનું ચાલુ રાખ્યું હતું.
ફરિયાદમાં રામુબેને હુમલાનું કારણ જણાવતા કહ્યું છે કે, આરોપી અરજણ ગોહિલ રામાપીરના મંદિરના દરવાજાને તાળું મારી દેતા હોય છે અને ત્યાં કોઈને ઊભા રહેવા દેતા નથી. નરેશભાઈ ત્યાં ઉભા હતા, જેને કારણે અરજણ અને તેના દીકરા અશ્વિને આવીને ગાળો આપી, તેમને ધોકાથી માર માર્યો હતો. રામુબેને તેમના ડાબા હાથે ફ્રેક્ચર કરવા અને દીકરા નરેશને મુંઢ ઇજા પહોંચાડવા બદલ અરજણ ભીમજીભાઈ ગોહિલ અને અશ્વિન અરજણભાઈ ગોહિલ સામે ધોરણસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ફરિયાદ આધારે બંને પિતા-પુત્રને ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કેમેરામેન બીજલભાઇ માલકીયા સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર