અરવલ્લીમાં ફિલ્મી સ્ટોરી જેવી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં ૩૨ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. શામળાજીના રાવતાવાડા ગામની સીમમાં પરણિત મહિલા સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા બાબતે યુવકની હત્યા કરાઈ હતી.
મહિલાના પૂર્વ પ્રેમીએ બાઈક લઇને જઈ રહેલા પતિદેવનું મોત નિપજાવ્યું હતું. ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં ઘટના બની હતી. મહિલાના પતિની બાઈકને પૂર્વપ્રેમીએ ઇકો કાર વડે પાછળથી ટક્કર મારી હતી. બાઈક સવાર પતિ રોડ પર પટકાયા બાદ પૂર્વપ્રેમીએ ઇકો કાર રિવર્સ લાવી બે વખત ઉપર ચઢાવી દઈ મોત નીપજાવ્યું હતું.
મૃતક ભિલોડા તાલુકાના ચૂનાખણ ગામનો ૩૨ વર્ષીય પ્રકાશભાઈ માવજીભાઈ ડામોર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફરાર આરોપીની ઇકો કારને જપ્ત કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. શમાળાજી પોલીસે આરોપી ઈશ્વર તરાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.