Sports: ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સીરિઝમાં સતત ત્રણ ટેસ્ટમાં હાર સાથે સીરિઝ ગુમાવનાર ઇંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં ફસાઈ છે. મેદાન પર નિષ્ફળતા બાદ હવે ટીમ પર મેદાન બહાર શિસ્તભંગના ગંભીર આરોપો લાગ્યા છે. સીરિઝ દરમિયાન ઇંગ્લિશ ખેલાડીઓ સતત છ દિવસ સુધી દારૂના નશામાં રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલો સામે આવતા જ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) હરકતમાં આવ્યું છે અને ટીમના ડિરેક્ટર રોબ કીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
અહેવાલો મુજબ, ગાબામાં રમાયેલી બીજી ટેસ્ટમાં શરમજનક હાર બાદ ઇંગ્લેન્ડની ટીમ ક્વિન્સલેન્ડના નૂસા શહેરમાં રોકાઈ હતી. અહીં ચાર દિવસના રોકાણ દરમિયાન ખેલાડીઓએ રમત પર ધ્યાન આપવાને બદલે મોડી રાત સુધી પાર્ટીઓ કરી હોવાના અને સતત દારૂ પીધો હોવાના દાવા કરવામાં આવ્યા છે.
આ મામલે ટીમ ડિરેક્ટર રોબ કીએ કડક વલણ અપનાવતા કહ્યું છે કે જો આ આરોપો સાચા સાબિત થાય તો તે અત્યંત ગંભીર બાબત ગણાશે. આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટરો માટે આવી દારૂ પીવાની સંસ્કૃતિ અને શિસ્તહીન વર્તન સ્વીકાર્ય નથી તેમ તેમણે સ્પષ્ટ કર્યું છે.
એક તરફ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ત્રણ ટેસ્ટ જીતીને 3-0ની સરસાઈ સાથે એશિઝ સીરિઝ પર પકડ મજબૂત કરી છે, જ્યારે બીજી તરફ ઇંગ્લેન્ડના ખેલાડીઓના આ વર્તનથી બ્રિટિશ મીડિયા, પૂર્વ ક્રિકેટરો અને ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ફેન્સનું કહેવું છે કે મેદાનમાં સંઘર્ષ કરતી ટીમ પાસેથી આવી બેદરકારી શરમજનક છે. ECBની તપાસમાં જો કોઈ ખેલાડી દોષિત સાબિત થશે તો તેની સામે કડક શિસ્તભંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જ્યારે આગામી ટેસ્ટ પહેલાં ટીમમાં મોટા ફેરફારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.