આજના સમયમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, પરંતુ વૈશ્વિક કોમોડિટી બજારમાં હવે તાંબુ (Copper) અસલી ‘કિંગ’ બનીને ઉભર્યું છે. ઈલેક્ટ્રિક વાહનો (EV), AI ડેટા સેન્ટરો અને આધુનિક ઔદ્યોગિક એકમોમાં તાંબાનો વપરાશ અનિવાર્ય બનતા તેની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. આ વધતી જતી વૈશ્વિક જરૂરિયાતને કારણે તાંબાના ભાવમાં જે તેજી જોવા મળી રહી છે, તેને જોતા નિષ્ણાતો તેને ‘નવું સોનું’ કે ‘નવી ચાંદી’ તરીકે ઓળખાવી રહ્યા છે.
ભાવની દ્રષ્ટિએ જોઈએ તો, મંગળવારે સાંજે તાંબાએ ઇતિહાસ રચતા પ્રતિ ટન $12,000ની સપાટી વટાવી દીધી હતી. ચાલુ વર્ષે જ તેની કિંમતમાં 35% જેટલો ઉછાળો આવ્યો છે. બુધવાર, 24 ડિસેમ્બરના રોજ લંડન ફ્યુચર્સ એક્સચેન્જ પર તાંબુ $12,076.5 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે મંગળવારે તે $12,159.50ની સર્વકાલીન ઊંચાઈ પર પહોંચ્યું હતું. વર્ષ 2009 પછી આ સૌથી મોટું વાર્ષિક વળતર માનવામાં આવે છે.
આ આશ્ચર્યજનક ભાવ વધારા પાછળ મુખ્યત્વે અમેરિકાની આગામી ટેરિફ નીતિઓ જવાબદાર છે. વર્ષ 2025માં USA ટેરિફ વધવાની બીકે અમેરિકી ખરીદદારો અત્યારથી જ મોટા પાયે તાંબાનો સ્ટોક કરી રહ્યા છે, જેને કારણે વેરહાઉસમાં સંગ્રહ વધ્યો છે અને બજારમાં ખેંચતાણ સર્જાઈ છે. આ ઉપરાંત, ઈન્ડોનેશિયા, કોંગો અને ચિલીની મુખ્ય ખાણોમાં સર્જાયેલી કુદરતી આફતો અને અકસ્માતોએ ઉત્પાદનમાં મોટો ઘટાડો કર્યો છે, જેની સીધી અસર કિંમતો પર પડી છે.
ભવિષ્યના અંદાજ અંગે ‘ગોલ્ડમેન સૅક્સ રિસર્ચ’ જણાવે છે કે, વર્ષ 2026માં કિંમતો થોડી સ્થિર થઈ શકે છે. રિપોર્ટ મુજબ, વૈશ્વિક પુરવઠામાં સુધારો થવાને કારણે તાંબાના ભાવ $10,000 થી $11,000 પ્રતિ ટનની રેન્જમાં રહી શકે છે. જોકે, કોઈ મોટા ઘટાડાની શક્યતા ઓછી છે, પરંતુ ભાવ તેના રેકોર્ડ સ્તરથી થોડા નીચે આવીને બજારમાં સંતુલન જાળવી રાખશે તેવી ધારણા છે.