ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે 549 રનનું લક્ષ્ય ચેઝ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાંચમા દિવસની શરૂઆતથી જ વિકેટો તૂટતી જતાં આખી ટીમ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ભારતે 408 રનથી હાર સાથે સીરિઝ પણ ગુમાવી દીધી. આ કારમા પરાજય બાદ હેડ કોચ ગૌતમ ગંભીર સામે આવ્યા અને મોટું નિવેદન આપ્યું.
ગંભીરે કહ્યું, “હારની જવાબદારી સૌની છે, પરંતુ સૌથી પ્રથમ મારી છે.”
બે મેચની સીરિઝમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. કોલકાતામાં પહેલી ટેસ્ટ 30 રનથી હારી હતી અને ગુવાહાટીમાં બીજી મેચ 408 રનથી. ટેસ્ટમાં રનની દૃષ્ટિએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હાર ગણાય. સાથે જ દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષમાં પહેલીવાર ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી છે.
ગંભીરે આગળ જણાવ્યું કે, “વિરાટ કોહલી, રોહિત શર્મા અને અશ્વિન જેવી વરિષ્ઠ ખેલાડીઓની નિવૃત્તિ પછી ટીમ પરિવર્તનના તબક્કામાં છે. મને ‘ટ્રાન્ઝિશન’ શબ્દ પસંદ નથી, પરંતુ હકીકત એ જ છે. યુવા ખેલાડીઓ શીખી રહ્યા છે અને તેમને સમય આપવો પડશે.”
તેમણે ઉમેર્યું, “ ભારતે આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીતી છે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ ડ્રો કરી છે. હું એ જ કોચ છું જેના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું અને મોટી ટુર્નામેન્ટ જીતી.”
ગંભીરે પોતાના ભવિષ્ય વિશે કહ્યું, “ મારા ભવિષ્યનો નિર્ણય BCCI લેશે. પરંતુ હું એ જ વ્યક્તિ છું જેણે અગાઉ ટીમને પરિણામો અપાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટ માટે ફક્ત ભારે ટેલેન્ટ નહીં, પરંતુ મજબૂત અને કૌશલ્યવાન ખેલાડીઓની જરૂર છે.”